ચીખલી: આવનારા દિવસોમાં તાલુકા- જિલ્લા પંચાયતોની યોજાનાર ચુંટણીઓમાં યુથ કોંગ્રેસ બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો અને શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ મુદ્દે રસ્તા પર ઉતરીને લોક જાગૃતિની મુહિમ ચાલવવા અંગે ગતરોજ ચીખલીના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ વણોલની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા યુથ કોંગ્રેસની મહત્ત્વની કારોબારી બેઠક સંપન્ન થઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ પુરવ તલાવિયા સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા યુવાનોને એકજૂટ થવા હાકલ કરવામાં આવી અને સાથે જ સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આ બેઠકમાં વિશેષ ચર્ચા કરાઈ હતી.
યુથ કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો કે સ્થાનિક ચૂંટણીઓમાં ઓછામાં ઓછી 20 ટકા બેઠકો પર યુવા ઉમેદવારોને તક મળે તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સમક્ષ રજૂઆત કરાશે ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, તેઓ પણ યુથ કોંગ્રેસમાંથી જ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી આજે આ સ્થાને પહોંચ્યા છે. જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું કે, યુથ કોંગ્રેસના જોરે જ ગુજરાતમાં સત્તા પરિવર્તન આવશે. તમામ કાર્યકરોને ‘ઘર-ઘર સંપર્ક’ અભિયાન દ્વારા સંગઠનના ઉદ્દેશ્યો જન-જન સુધી પહોંચાડવા સફળ થશે











