સાપુતારા: ગુજરાત રાજ્યની માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં નવસારી-વાંસદા તરફથી ભાગ લેનારા યુવા એથ્લીટ ચેતન ભગરીયાએ શાનદાર પ્રદર્શન કરીને નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. સાપુતારા ખાતે યોજાયેલ આ રાજ્ય સ્તરની સ્પર્ધામાં ચેતને 800 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને બે મેડલોની બમ્પર કમાણી કરી છે.
ચેતને જણાવ્યું કે તેઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને આગામી નેશનલમાં પણ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતને ગર્વ અપાવવાનો સંકલ્પ ધરાવે છે. નવસારી જિલ્લા એથ્લેટિક્સ સંઘ તથા સ્થાનિક ક્રીડા સંગઠનો દ્વારા ચેતનના આ પ્રદર્શનની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ યુવા એથ્લીટની મહેનત અને લગન અન્ય ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે.
આ ઉત્તમ પ્રદર્શને ગુજરાત રાજ્યના એથ્લેટિક્સને નવી ઊંચાઈઓ પર લઈ જવાની આશા જગાવી છે. આ સફળતા સાથે ચેતન ભગરીયા નેશનલ માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થયા છે. આ નેશનલ સ્પર્ધા રાજસ્થાનના અજમેર ખાતે પટેલ સ્ટેડિયમમાં તા. 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાશે.











