અરેઠ: સામહિક આરોગ્ય કેન્દ્ર (PHC) અરેઠ ખાતે ફરજ બજાવતા એક ડૉક્ટરની સતત બેદરકારી અને અમાનવીય વર્તણૂકના આક્ષેપોને લઈને વદેશીયા ગામજનો તથા ગામના સરપંચ મિતલ વિલાસ ચૌધરી દ્વારા નાયબ કલેકટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવ્યા મુજબ, તાજેતરમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા એક ગંભીર ઇમરજન્સી દર્દીને PHC અરેઠ ખાતે લાવવામાં આવ્યો હતો. આરોપ છે કે સંબંધિત ડૉક્ટરે દર્દીની નજીકથી તપાસ કર્યા વિના તથા કોઈપણ પ્રકારની પ્રાથમિક સારવાર આપ્યા વિના એમ્બ્યુલન્સના ડ્રાઈવરને “બીજે લઈ જાવ” તેમ કહી દર્દીને રિફર કરી દીધો હતો. જો સમયસર પ્રાથમિક સારવાર મળી હોત તો દર્દીનું જીવન બચી શક્યું હોત, પરંતુ દુર્ભાગ્યવશ દર્દીનું રસ્તામાં જ મૃત્યુ થયું હોવાનું ગ્રામજનોનું કહેવું છે.

વદેશીયા સહિત આસપાસના વિસ્તારોમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોવાના આક્ષેપો પણ રજૂઆતમાં કરવામાં આવ્યા છે. દર્દીઓને દૂરથી જ રિફર કરી દેવામાં આવે છે અને કોઈ પણ દર્દીની જવાબદારી લેવાતી નથી, જેના કારણે ગરીબ, પછાત અને આદિવાસી વર્ગના લોકો સૌથી વધુ પીડિત બની રહ્યા હોવાનું જણાવાયું છે.

રજુઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સંબંધિત ડૉક્ટરની વર્તણૂક પછાત અને આદિવાસી વર્ગના દર્દીઓ સાથે અપમાનજનક હોવાની જાહેર ફરિયાદો છે. આ સતત બેદરકારીના કારણે PHC અરેઠ ખાતે ડિલિવરીના કેસોમાં ઘટાડો થયો છે અને સ્થાનિક જનતા આરોગ્ય તંત્ર પરથી વિશ્વાસ ગુમાવી રહી છે.

વદેશીયા ગ્રામજનો અને સરપંચ મિતલ વિલાસ ચૌધરીએ નાયબ કલેકટરશ્રીને વિનંતી કરી છે કે સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે, સંબંધિત ડૉક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ PHC અરેઠ ખાતે સંવેદનશીલ અને જવાબદાર ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે. આ બાબતે નાયબ કલેકટર કચેરી તરફથી તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here