નવસારી: ‘ખાખી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નથી, પરંતુ જરૂર પડ્યે સંવેદનશીલ બની સમાજની સાથે ખભેખભા મિલાવીને ચાલવા માટે પણ છે એમ કહી એસપી રાહુલ પટેલે ટ્રાફિક પોલીસ કચેરીના અગાસીમાં મમતા મંદિરના દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉડાવી ઉતરાયણની ઉજવણી કરી હતી.
નવસારીના મોટા બજારમાં ટ્રાફિક વિભાગની અગાસીમાં યોજાયેલ પતંગ ઉત્સવમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ, DYSP એસ. કે. રાય અને PI પી.કે દાવરા, ઉમંગ મોદી સહિતના અધિકારીઓ અને ટ્રાફિક સ્ટાફ જોવા મળ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા દરેક દિવ્યાંગ બાળકને પતંગ અને ફિરકીની કીટનું વિતરણ કરાયું અને બાળકો માટે લાડુ, ચીકી અને પૌષ્ટિક નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર, પી.કે દાવરાએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વરસે પણ ટ્રાફિક વિભાગ દ્વારા મમતા મંદિરના બાળકો સાથે પતંગ ઉત્સવ યોજ્યો. દિવ્યાંગ બાળકો સમાજનો અભિન્ન અંગ છે. મોટાભાગે આ બાળકો સામાજિક ઉત્સવોથી દૂર રહેતા હોય છે, પરંતુ તેમને પણ અન્ય નાગરિકોની જેમ ઉત્સવ માણવાનો પૂરો હક છે. તેઓ પણ સમાજનો હિસ્સો છે તેવો અનુભવ કરાવવો એ જ અમારો ઉદ્દેશ્ય છે.











