ચીખલી: ઉત્તરાયણ પર્વ પૂર્વે જ જીવલેણ દોરીએ નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવાનું શરૂ કરી દીધું છે. ચીખલી તાલુકાના સારવણી ગામના એક આશાસ્પદ યુવાનનું પતંગની દોરીથી ગળું કપાતા ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે. લોહીલુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના ગળાના ભાગે ૧૮ જેટલા ટાંકા લેવા પડ્યા છે.

Decision News મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના સારવણી ગામનો વતની સુનીલ પટેલ નામનો યુવાન પોતાની નોકરી પૂર્ણ કરી મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કાવેરી નદીના પુલ પાસેથી પસાર થતી વખતે અચાનક પતંગની દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે પળવારમાં જ સુનીલનું ગળું કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો.

ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા સુનીલને તુરંત ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઈજા ખૂબ જ ગંભીર હોવાથી ડોક્ટરોએ તાત્કાલિક ધોરણે ઓપરેશન હાથ ધરી ગળાના ભાગે ૧૮ ટાંકા લીધા હતા. સદનસીબે સમયસર સારવાર મળતા યુવાનનો જીવ બચી ગયો છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે.

​તંત્ર સામે સવાલ:
ઉત્તરાયણના દિવસો નજીક આવતા જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને કાચ પાયેલી ધારદાર દોરીનો આતંક વધી રહ્યો છે. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ દોરી ‘યમદૂત’ સાબિત થઈ રહી છે. સ્થાનિકોની માંગ છે કે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘાતક દોરી વેચનારાઓ અને તેનો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય.

Decision News દ્વારા ​સાવચેતીનો સંદેશ:
વાહનચાલકોને વિનંતી છે કે બાઈક સ્ટેરીંગ પર સળિયો, ગળાના ભાગે રૂમાલ બાંધવો અથવા હેલ્મેટનો ઉપયોગ કરવો જેથી આવી અણધારી આફતથી બચી શકાય.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here