ભાવનગર: મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બાલધીયા (38) પર 29 ડિસેમ્બર 2025ના રાત્રે 1.30 વાગ્યે, નંબર પ્લેટ વગરની સફેદ વેરના કારમાંથી 4 માણસો ઊતરી ધોકા/ પાઇપ વડે હુમલો કર્યો, નવનીતભાઈની મોટરસાઇકલ તોડી નાખી. એવામાં બીજી સફેદ કલરની શિફ્ટ કાર આવી. તેમાંથી 4 માણસો ઊતર્યા, તેમની પાસે ધોકાઓ હતા. અને તેઓ પણ નવનીતભાઈ પર તૂટી પડ્યા. મારઝૂડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જે જોઈ શકાય તેમ નથી. ક્રૂરતાપૂર્વક ધોકા મારે છે. નવનીતભાઈના હાથે ફેક્ચર કરેલ અને આખા શરીરે ઈજા પહોંચાડેલ. ન લખી શકાય તેવી ગાળો આપી. નવનીતભાઈના બન્ને મોબાઈલ તોડી નાખ્યા. બગદાણા પોલીસે 29 ડિસેમ્બર 2025ના સાંજના 18.30 વાગ્યે BNS કલમ-117(2) (સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી, સજા 7 વર્ષ સુધીની, કાયમી અપંગતામાં 10 વર્ષ થી આજીવન કેદ) 118(1) (ખતરનાક હથિયારોથી ઈજા કરવી), 115(2), (સ્વૈચ્છિક રીતે નુકસાન કરવું), 352 (જાહેર શાંતિનો ભંગ), 324(4) (બગાડ), 189(2) (ગેરકાયદેસર મંડળી), 190 (ગુનામાં સરખી જવાબદારી), 191 (1)(રાયોટિંગ), 191(2) (બે વર્ષ સુધીની કેદ, દંડ) હેઠળ 8 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ. નવનીતભાઈના ભાઈ હીરાભાઈ બાલધીયાના પત્ની બગદાણા ગામના સરપંચ છે.
થોડાં મુદ્દાઓ :
[1] નવનીતભાઈ કહે છે કે મેં આરોપી તરીકે જયરાજ આહીરનું નામ આપેલ પણ છતાં PI ડી.વી. ડાંગરે તેનું નામ FIRમાં લખ્યું નહીં ! જયરાજ આહીર ડાયરા કલાકાર માયાભાઈ આહીરના પુત્ર છે. જો જયરાજ આહીર આ હુમલામાં સંડોવાયેલ હોય તો એટલું જરુર કહી શકાય કે ભાવિ ધારાસભ્ય તરીકે તેમણે યોગ્યતા પ્રાપ્ત કરી લીધી છે !
[2] ભાવનગર પોલીસ કહે છે કે આ મારઝૂડમાં જયરાજ આહીર સંડોવાયેલ નથી પરંતુ બુટલેગર અને ખનીજ માફિયા છે. કેમકે નવનીતભાઈ દારુની/ ખનીજ ચોરીની બાતમી આપતા હતા એટલે 8 ઈસમોએ નવનીતભાઈ પર હુમલો કર્યો. સરપંચના કુટુંબીજન પર ગુંડાઓ હુમલો કરે તો સામાન્ય નાગરિકો કઈ સ્થિતિમાં જીવતા હશે?
[3] શું પોલીસે આ બન્ને કાર કોની માલિકીની છે તેની તપાસ કરી છે? આરોપીઓ પકડાયા પહેલા જ જયરાજ આહીરને ક્લિન આપી દીધી, એ શું સૂચવે છે?
[4] માની લઈએ કે નવનીતભાઈ પર બુટલેગર અને ખનીજ માફિયાઓએ જ હુમલો કર્યો હતો; તો જોઈ ન શકાય તેવી રીતે ધોકાઓ/ પાઈપ વડે નવનીતભાઈને મારઝૂડ કરે છે; તે પોલીસનો કોઈ ભય ગુંડાઓ/ બુટલેગર/ ખનીજ માફિયાઓને નથી તે સાબિત થાય છે. શું પોલીસે આ 8 અજાણ્યા ઈસમોનો પૂર્વ ઈતિહાસ જોયો છે? તેમની પર અટકાયતી પગલાં લીધેલ છે? તડીપાર કરેલ છે? પાસા કરેલ છે?
[5] નવનીતભાઈને ગુંડાઓ જે રીતે આડેધડ ધોકા-પાઈપથી મારે છે તે જોતા એમ કહી શકાય કે નવનીતભાઈનો જીવ બચ્યો તે અકસ્માત છે. પોલીસે FIR નોંધતી વખતે BNS કલમ-109 (IPC-307) હેઠળ ગુનો કેમ નોંધ્યો નહીં? ગુંડાઓ સાથે સ્થાનિક પોલીસનું મેળાપીપણું છે તે દેખાઈ રહ્યું છે. રાત્રે 1.30 વાગ્યે ઘટના બને અને છેક સાંજે 18.30 વાગે ગુનો નોંધાય તે શું સૂચવે છે?
[6] ગુંડાઓની કાવતરાખોરી તો જૂઓ; મારઝૂડ તો કરી, સાથે પોલીસને/ લોકોને ગેરમાર્ગે દોરવા તેનો વીડિયો પણ ઊતાર્યો અને તેને વાયરલ પણ કર્યો! વીડિયો ઉતારનાર નવમો આરોપી છે. અને આ હુમલો જેમના કહેવાથી થયો તે 10મો આરોપી છે. આ બધા આરોપીઓની; ગુના પહેલાની/ ગુના દરમિયાનની અને ગુના પછીની કોલ ડિટેઇલનું વિશ્લેષણ પોલીસે કર્યુ છે?
[7] આ મારઝૂડ સ્થાનિક પોલીસની ડાયરેક્શન હેઠળ જ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમકે FIRમાં ફરિયાદી નવનીતભાઈને મારઝૂડનું કારણ પૂછેલ નથી/ નવનીતભાઈએ આરોપીના નામ આપેલ તે પોલીસે ઈરાદાપૂર્વક લખેલ નથી. આવી મોં માથા વગરની FIR લેનાર જ આ મારઝૂડની મદદગારીમાં સામેલ હોઈ શકે !
BY: રમેશ સવાણી











