ચીખલી: આજે ભારતીય સ્વતંત્રતા સેનાની, રાજકારણી, વકીલ અને ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત લેખક તેમજ શિક્ષણશાસ્ત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી (કે.એમ. મુનશી) ની 138 મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 30 ડિસેમ્બર 1887 ના રોજ દક્ષિણ ગુજરાતનાં ભરૂચમાં થયો હતો અને 8 ફેબ્રુઆરી 1971 ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું.
કે.એમ. મુનશી વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેમણે સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ લીધો, રાજકારણમાં પ્રવેશ કર્યો અને સાહિત્ય સર્જનમાં અમર કૃતિઓ આપી. તેઓ ભારતીય વિદ્યા ભવનના સ્થાપક હતા, જે ૧૯૩૮માં સ્થાપવામાં આવી અને આજે ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણના પ્રસાર માટે વિશ્વભરમાં કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં તેમનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે ઐતિહાસિક નવલકથાઓ દ્વારા ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસને જીવંત કર્યો.
તેમની કેટલીક પ્રસિદ્ધ કૃતિઓમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
1) પાટણની પ્રભુતા (1916) 2) ગુજરાતનો નાથ (1917) 3) રાજાધિરાજ (1918) 4) પૃથ્વીવલ્લભ (1921) 5) સ્વપ્નદ્રષ્ટા (1924) 6) લોપામુદ્રા (1930) 7) જય સોમનાથ (1940) આ ઉપરાંત તેમણે કૃષ્ણાવતાર જેવી અન્ય કૃતિઓ પણ લખી છે, જે ભારતીય મહાકાવ્યો અને પૌરાણિક કથાઓ પર આધારિત છે. સાહિત્યકારો, શિક્ષણવિદો અને રાજકીય વર્તુળોમાં આજે તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. તેમનું જીવન અને કાર્ય આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.











