છોટાઉદેપુર: ધારાસભ્ય ચૈતર વસાવા અને રાધિકાબેન રાઠવાએ છોટાઉદેપુર ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે ભાજપના કોન્ટ્રાક્ટરો, નેતાઓ અને NGOના લોકો અતિ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા છે.
આજે વિકસિત ભારત અને વિશ્વ ગુરુ ભારત બનવાની વાત થઈ રહી છે, ત્યારે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં આજે પણ એક થી પાંચ વર્ષના બાળકોમાં 3 લાખ 21 હજાર બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને સમગ્ર દેશના સૌથી ટોપના અતિ કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જિલ્લામાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે. સરકાર તાયફાના નામે આદિવાસી લોકોના વિકાસના ગ્રાન્ટના રૂપિયા ફાળવી દે છે. ભાજપ સરકારે કુપોષણ ખતમ કરવા માટે 10 થી વધારે યોજનાઓ બહાર પાડી અને કરોડો રૂપિયાના આંધણ કર્યા. પરંતુ ભાજપના કોન્ટ્રાક્ટરો, નેતાઓ અને NGOના લોકો અતિ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા છે, પરંતુ છેવાડાના એ કુપોષિત બાળક સુધી પોષક આહાર પહોંચ્યો નથી.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી અમારા વિસ્તારમાં આવ્યા તો એમના કાર્યક્રમમાં 2.40 કરોડનું મોબાઈલ ટોયલેટ વપરાયા, બે કરોડ ચા પાણીમાં વપરાયા, બે કરોડના સમોસાના બિલો મુક્યા, 5 કરોડ 83 લાખના સ્ટેજના ચુકવણા કરવામાં આવ્યા, 7 કરોડ 87 લાખ મંડપના બીલો ચૂકવાયા, બે કરોડના ડોમના બિલો ચૂકવવામાં આવ્યા, 16 લાખ રૂપિયા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓમાં ડીઝલના રૂપિયા ચૂકવવામાં આવ્યા, 50 લાખના પાણીના ચૂકવ્યા. આ રીતે પ્રજાના પૈસે સરકારી કાર્યક્રમોમાં દિવાળી થાય છે, જ્યારે આંગણવાડીમાં બાળકોની કાળજી લેવામાં આવતી નથી. આવા કાર્યક્રમોમાં આંગણવાડીઓ અને તેડા ઘરના લોકોને ભીડ ભેગી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે, આંગણવાડીના કર્મચારીઓને સરકારી યોજનાના કામોમાં લગાવી દેવામાં આવે છે, અને જ્યારે આંગણવાડીઓ ફુડ બિલના, શાકભાજીના, ફળોના, નાસ્તાઓના બિલ મૂકે છે ત્યારે પાંચ પાંચ મહિનાઓ સુધી એ બિલ ગ્રાન્ટ ન હોવાના કારણે પાસ કરવામાં આવતા નથી, તો કઈ રીતે કુપોષણ દૂર થશે ? આશ્રમોમાં ભણતા બાળકો માટે મહિનાના 2100 રૂપિયાનું ફુડ બિલ આપવામાં આવે છે, જ્યારે એમના કાર્યક્રમોમાં એક એક થાળીનો ભાવ ₹3,000 ચૂકવવામાં આવે છે. સરકાર આદિવાસી લોકોના વિકાસના ગ્રાન્ટના પૈસાથી થતા કાર્યક્રમો બંધ કરે અને આદિવાસી લોકોનું કુપોષણ દૂર કરવા માટે જે આયોજન હોય એ દિશામાં આગળ વધે.. આદિવાસી વિસ્તારમાં અતિ કુપોષણથી પીડાતા 1,71,350 બાળકોને અતિ કુપોષણથી કઈ રીતે બહાર કાઢશો એની વાત ભાજપ સરકારના લોકો કેમ કરતા નથી ?
આજે 1 લાખ 70 હજાર આદિવાસી મહિલાઓ સિકલસેલ એનિમિયાથી પીડાય છે, પરંતુ એમને પાંચ મહિનાથી સહાય મળી નથી, તો એની ગ્રાન્ટ કેમ નથી મળતી, એ વાત કેમ ભાજપના નેતાઓ કરતા નથી ? ત્યારે હવે આદિવાસીઓના ગ્રાન્ટના પૈસાથી તાયફાઓ થાય છે તેને રોકવા માટે અને આદિવાસી વિસ્તારમાં આંગણવાડી બને, શાળા બને, આરોગ્ય વિભાગમાં પૂરતા ડોક્ટર હોય, પૂરતા સાધનો હોય અને લોકોને પોતાના વિસ્તારમાં જ સારવાર મળે, એના માટે આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં આંદોલન કરશે અને જ્યારે અમને જરૂર લાગશે ત્યારે અમારા લોકોની ગ્રાન્ટ સગેવગે કરનારા મળતીયાઓ, કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓ જે તાજા માજા થઈને ફરે છે એની સામે અમારે ગાંધીનગર તરફનો રસ્તો અપનાવો પડશે. તો આવનારા સમયમાં આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ગાંધીનગર તરફ કૂચ કરવાનો છે.











