નવીન: 26 નવેમ્બર 2025ના રોજ, ‘બંધારણ દિવસ’ની ઊજવણી દરમિયાન અમરેલીમાં મદદનીશ સરકારી વકીલ મમતા ત્રિવેદીએ, જિલ્લા જજની હાજરીમાં મહેમાનોને ‘મનુસ્મૃતિ’ ગ્રંથ ભેટમાં આપ્યો હતો ! આનંદની વાત એ છે કે અમરેલીના વકીલોએ 28 નવેમ્બર 2025ના રોજ, મમતા ત્રિવેદી સામે પગલાં ભરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો છે. પત્ર લખનાર વકીલ મિત્રો ધન્યવાદને પાત્ર છે.

‘મનુસ્મૃતિ’ પુસ્તક ભેટ આપવામાં વાંધો ન હોઈ શકે. સમાજશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રંથ વાંચવો જોઈએ, તો જ ખબર પડે કે કઈ રીતે હજારો વરસથી શોષણનું ષડયંત્ર ચાલી રહ્યું છે. પરંતુ ‘બંધારણ દિવસ’ની ઉજવણી એટલે સમાનતા/ ન્યાય/ સ્વતંત્રતા/ માનવીય ગૌરવના અધિકારની ઉજવણી. આ પ્રસંગે અસમાનતા/ અન્યાય/ શોષણ/ ભેદભાવ/ ગુલામી/ અપમાન/ ધૃણા/ અસ્પૃશ્યતાનું સમર્થન કરનાર મનુસ્મૃતિ ગ્રંથ આમંત્રિત મહેમાનો ભેટમાં આપવો તે ઈરાદાપૂર્વકની ધૃષ્ટતા કહી શકાય.

25 ડીસેમ્બર 1927ના રોજ ડો. ભીમરાવ આંબેડકરે મહાડ સત્યાગ્રહ દરમિયાન મનુસ્મૃતિનું દહન કર્યું હતું. એટલે જ દર વરસે, 25 ડીસેમ્બરે મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી થાય છે. ડો. આંબેડકરે કહ્યું હતું કે ‘મનુસ્મૃતિ અસમાનતા-ભેદભાવ, ક્રૂરતા, અન્યાયનું પ્રતીક છે અને પેઢીઓથી દુઃખનું કારણ બની છે. તેમાં દલિતો, મહિલાઓ પરના ભેદભાવને ન્યાયી ઠરાવેલ છે.’ આ હકીકત મદદનીશ સરકારી વકીલ જાણતા જ હોય છતાં ડો. બાબાસાહેબનુ તથા SC/ST વકીલોનું અપમાન કરવાના ઈરાદે મમતાબેન ત્રિવેદીએ બંધારણ દિવસની ઊજવણીમાં જ શરમજનક ધૃષ્ટતા કરી હતી. બંધારણના આર્ટિકલ-14થી 18માં સમાનતાના અધિકારો આપવામાં આવ્યા છે, બંધારણ દિવસની ઉજવણીમાં જ મમતા ત્રિવેદી અસમાનતાનું સમર્થન કરતા મનુસ્મૃતિ ગ્રંથ મહેમાનોને ભેટ આપવાનું પગલું અવિવેકી/ પૂર્વગ્રહવાળું અને અપમાનજનક કહી શકાય.

મનુસ્મૃતિ મહિલા વિશે કહે છે :
(1) પતિ તેની પત્નીને છોડી શકે છે, ગીરવે મૂકી શકે છે અથવા વેચી શકે છે, પરંતુ સ્ત્રીને આવા કોઈ અધિકાર નથી. કોઈ પણ સંજોગોમાં, લગ્ન પછી, પત્ની કાયમ માટે પત્ની રહે છે. (અધ્યાય 9, શ્લોક-45)

(2) મિલકત અને માલિકીના અધિકારો અને દાવાઓના સંદર્ભમાં, શૂદ્ર સ્ત્રીઓ પણ ‘દાસ-ગુલામ’ છે. સ્ત્રીઓને મિલકત ધરાવવાનો અધિકાર નથી; સ્ત્રીની મિલકતનો માલિક તેનો પતિ, પુત્ર અથવા પિતા હોય છે. (અધ્યાય 9, શ્લોક-416)

(3) પશુઓ, અભણ, શુદ્રો અને સ્ત્રીઓ બધા સજાને પાત્ર છે, એટલે કે સ્ત્રીઓને પશુઓની જેમ મારી શકાય છે. (અધ્યાય 8, શ્લોક-299)

(4) જેમ અસત્ય અશુદ્ધ છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ અશુદ્ધ છે, એટલે કે સ્ત્રીઓને વૈદિક મંત્રો વાંચવાનો, શીખવવાનો, પાઠ કરવાનો કે ઉપનયન કરવાનો અધિકાર નથી. (અધ્યાય-2 શ્લોક- 66 અને અધ્યાય-9 શ્લોક-18)

(5) યજ્ઞ કરતી કે વૈદિક મંત્રોનો પાઠ કરતી સ્ત્રીઓ પાસેથી બ્રાહ્મણે પણ ભોજન ન લેવું જોઈએ. સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા બધા યજ્ઞો અશુભ માનવામાં આવે છે અને દેવતાઓને સ્વીકાર્ય નથી. (અધ્યાય 4, શ્લોક 205 અને 206)

(6) સ્ત્રીઓ નર્કગામીની હોવાથી, તે યજ્ઞ કરી શકતી નથી કે દૈનિક અગ્નિહોત્ર કરી શકતી નથી. (અધ્યાય 11,શ્લોક-36 અને 37)

(7) સ્ત્રીઓ ચંચળ અને હૃદયહીન હોય છે, તેમના પતિ પ્રત્યે કોઈ વફાદારી હોતી નથી. પ્રકરણ 2, શ્લોક- 115)

(8) મહિલા પોતાના પલંગ, ઘરેણાં અને કપડાં પ્રત્યે ઉત્સાહી છે, કામી, અપ્રમાણિક, ઈર્ષાળુ અને દુષ્ટ છે. અધ્યાય 9, શ્લોક-17)

(9) ભલે પતિ અનૈતિક હોય, બીજી સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત હોય, ખરાબ ગુણોથી ભરેલો હોય, નપુંસક હોય, તે ગમે તે હોય, સ્ત્રીએ તેના પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ અને તેને દેવતાની જેમ પૂજવો જોઈએ. (અધ્યાય 5, શ્લોક-154)

[10] સ્ત્રીઓ સાથે ગેરકાયદેસર જાતીય સંભોગ માટેની જોગવાઈ વિચિત્ર છે : જો કોઈ બ્રાહ્મણ ગેરકાયદેસર જાતીય સંભોગ કરે તો તેણે પોતાનું માથું મુંડન કરવું જોઈએ. જો કોઈ ક્ષત્રિય ગેરકાયદેસર જાતીય સંભોગ કરે તો તેને 1,000 કોરડા મારવાની સજા થવી જોઈએ. જો કોઈ વૈશ્ય ગેરકાયદેસર જાતીય સંભોગ કરે તો તેને તેની બધી મિલકત છીનવી લેવી જોઈએ, એક વર્ષની કેદ કરવી જોઈએ અને પછી દેશનિકાલ કરવો જોઈએ. જો કોઈ શૂદ્ર ગેરકાયદેસર જાતીય સંભોગ કરે છે, તો તેની બધી મિલકત છીનવી લેવી જોઈએ અને તેનું લિંગ કાપી નાખવું જોઈએ. જો કોઈ શૂદ્ર દ્વિજ જાતિ સાથે ગેરકાયદેસર જાતીય સંભોગ કરે તો તેનું એક અંગ કાપીને તેની હત્યા કરવી જોઈએ. (અધ્યાય 8, શ્લોક-374, 375, 379)

થોડાં મુદ્દાઓ :
[1] શું મમતા ત્રિવેદીએ આ ગ્રંથ વાંચ્યો હશે? શું સમજીને અને શું સાબિત કરવાં માટે આ ગ્રંથ મહેમાનોને આપ્યો હશે? ગાંધીજી મનુસ્મૃતિ વિશે શું માનતા હતા? તેની ખબર મમતા ત્રિવેદીને નહીં હોય? ગાંધીજીએ કહ્યું હતું : “હિન્દુ ધર્મ તરીકે ઓળખાતા લોકપ્રિય ગ્રંથોમાં લખેલી દરેક વસ્તુ ધાર્મિક ઉપદેશો છે તે સાચું નથી. જો વેદ સાંભળતા શુદ્રના કાનમાં ગરમ ​​સીસું રેડવાની ઘટનાને ઐતિહાસિક માનવામાં આવે, તો હું તે ધર્મને બિલકુલ સ્વીકારવા તૈયાર નથી, અને અસંખ્ય હિન્દુઓ છે જે તેને ધાર્મિક ઉપદેશો માનતા નથી. હિન્દુ ધર્મ માટે એક માપદંડ નક્કી કરવામાં આવ્યો છે, જે એક બાળક પણ સમજી શકે છે. જે સમજી ન શકાય તેવું અને તર્કની વિરુદ્ધ છે તે ક્યારેય ધર્મ ન હોઈ શકે. અને જે સત્ય અને અહિંસાની વિરુદ્ધ છે તે ધર્મ પણ ન હોઈ શકે.” [મહાદેવભાઈની ડાયરી, ખંડ 2, પૃષ્ઠ 173-178] યરવડા જેલમાં મથુરાદાસ નામના એક કાર્યકરને સમજાવતી વખતે ગાંધીજીએ કહ્યું હતું : “ગુલામો કરતાં પણ ખરાબ, આપણે દલિતોને પશુ માન્યા. અને એને ધર્મ માન્યો કે તેઓ તેમના કર્મોનું કુફળ ભોગવે છે. આ તો ધર્મનું રાક્ષસી સ્વરૂપ છે. જો હિન્દુ ધર્મનો અર્થ આ જ હોય, તો હું પણ ગીતા, મનુસ્મૃતિ અને બીજું બધું બાળી નાખું.” [મહાદેવભાઈની ડાયરી, ખંડ 3, પાનું 269]

[2] શું સરકાર આ રીતે મહિલા સશક્તિકરણ કરવા ઈચ્છતી હશે? આ રીતે અંત્યોદય કરવા ઈચ્છતી હશે?

[3] ‘બંધારણ દિવસ’ની ઊજવણી પ્રસંગે બંધારણના મૂલ્યો/ તેના ઘડતરની ચર્ચા/ લોકોને બંધારણ કઈ રીતે મદદરૂપ થાય તેની ચર્ચા કરવાને બદલે અસમાનતા અને ભેદભાવને ન્યાયી ઠરાવતા ગ્રંથને સરકારી ખર્ચે મહત્વ આપી શકાય નહીં. અમરેલી જિલ્લા જજની પણ નિષ્ક્રિયતા છે. એમણે જ મમતા ત્રિવેદી સામે વાંધો ઉઠાવવો જોઈએ. સરકારી ખર્ચે યોજાતા કાર્યક્રમમાં મનુસ્મૃતિનું વિતરણ કરવું કેટલે અંશે ઉચિત?

[4] શું મનુસ્મૃતિની જોગવાઈઓનું કોઈ મહિલા સમર્થન કરી શકે? આવી જોગવાઈઓનું સમર્થન કરનાર મદદનીશ સરકારી વકીલ તરીકે યોગ્ય છે? મમતા ત્રિવેદી એટ્રોસિટી એક્ટ હેઠળના કેસમાં પીડિતોનો પક્ષ રાખવા લાયક છે ખરા? શું આ સરકારી વકીલ સરકારની ધૃષ્ટતાનું પ્રતિનિધિત્વ કરતા નથી? શું જિલ્લા જજ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ દાખલો બેસાડવાની જરુર નથી ?

BY: રમેશ સવાણી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here