બિહાર: બિહારમાં ભાજપ 89 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો પછી એવી અટકળો ચાલેલી કે, ભલે બિહારમાં નીતિશબાબુને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પણ, સત્તાની ચાવી મોદીએ પોતાની પાસે રાખી છે ભાજપના સાથી પક્ષોમાં ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી ભાજપની પડખે હોવાથી ભાજપનું પલ્લું ભારે છે.

JDUએ નીતીશને વિધાનસભામાં નેતા ચૂંટયાએ પછી મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પણ મિનિટોમાં તો નીતીશ નેતા તરીકે ચૂંટાઈ આવ્યા તેના પરથી જ સ્પષ્ટ છે કે, ભાજપે પહેલેથી નીતીશ પર કળશ ઢોળવાનું નક્કી કરી નાખેલું. ભાજપ સત્તામાં ભાગીદાર છે એટલે નીતીશ કુમાર સલામત છે એવા ભ્રમમાં રહેવાની જરૂર પણ નથી કેમ કે ભાજપને સત્તાનો સણકો ઉપડે તો મધ્ય પ્રદેશ ફોર્મ્યુલા અપનાવીને નીતીશને ઘરભેગા કરી નાખે એવું પણ બને.

મધ્ય પ્રદેશમાં 2018માં કોંગ્રેસના કમલનાથ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની પાસે કટોકટ બહુમતી હતી જ્યારે ભાજપને બહુમતી માટે 15 જેટલા ધારાસભ્યો ઘટતા હતા. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને સાધીને વીસેક ધારાસભ્યો પાસે બગાવત કરાવી દીધી ને તેમની પાસે રાજીનામાં અપાવી દીધાં તેમાં કમલનાથની સરકાર લઘુમતીમાં આવી ગઈ ને ભાજપ બહુમતીમાં આવી જતાં શિવરાજસિંહ ચૌહાણ પાછા ગાદી પર બેસી ગયા. પેટાચૂંટણીમાં ભાજપે રાજીનામાં પડેલાં તેમાંથી મોટાભાગની બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી. બિહારમાં મધ્ય પ્રદેશ જેવી જ સ્થિતિ છે.

ભાજપમાં અત્યારે JDUના 85 ધારાસભ્યો છે જ્યારે ભાજપના 89, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) ના 19, જીતનરામ માંઝીની હિંદુસ્તાન અવામ મોરચા (હમ)ના પાંચ અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોકશાહી મોરચાના ચાર મળીને કુલ 107 ધારાસભ્યો JDU સિવાયની પાર્ટીના છે. ભાજપ JDUના 30 ધારાસભ્યો પાસે રાજીનામાં અપાવે તો વિધાનસભાની સભ્યસંખ્યા ઘટીને 213 થાય ને બહુમતી માટે 107 ધારાસભ્યોનો ટેકો જોઈએ. પેટાચૂંટણીમાં ભાજપ રાજીનામાં આપનારા બધા ધારાસભ્યોને ટિકિટ આપીને ફરી લડાવે ને તેમાંથી 16 પણ જીતી જાય તો ભાજપની બહુમતી થઈ જાય ને સરકાર આવી જાય એ જોતાં નીતીશ પર વીમો છે જ. ભાજપ સામે સાચો પડકાર તો વચનો પુરા કરવાનો છે. મસમોટા વાયદા કરી તેણે લોકોનો વિશ્વાસ જીત્યો પણ એ ટકાવી રાખવો અઘરો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here