ગુજરાત: દિલ્હી હાઈકોર્ટે 9 નવેમ્બર 2025ના રોજ કહ્યું છે કે જ્યારે બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી લગ્ન કરવાનું કે સાથે રહેવાનું નક્કી કરે, ત્યારે પરિવાર કે સમુદાય તેમના પર દબાણ, પ્રતિબંધો કે ધમકીઓ લાદી શકે નહીં. આંતરજાતિય લગ્નો પર કૌટુંબિક કે સાંપ્રદાયિક હસ્તક્ષેપ ન હોવો જોઈએ. આંતરજાતિય લગ્નો રાષ્ટ્રીય હિતમાં છે અને તેમને કૌટુંબિક કે સાંપ્રદાયિક હસ્તક્ષેપથી સુરક્ષિત રાખવા જોઈએ.

ન્યાયાધીશ સંજીવ નરુલાએ, 11 વર્ષથી સંબંધમાં રહેલા અને લગ્ન કરવા માંગતા આંતર-જાતિય યુગલને પોલીસ સુરક્ષા આપતી વખતે આ ટિપ્પણી કરી હતી. મહિલાનો પરિવાર આ સંબંધનો વિરોધ કરી રહ્યો છે અને ધમકીઓ આપી રહ્યો છે, જેના કારણે દંપતી દિલ્હી પોલીસ પાસેથી સુરક્ષા માંગી રહ્યું છે. આંતર-જાતિય લગ્નો જાતિના વિભાજનને ઘટાડે છે, જે બંધારણીય અને સામાજિક કાર્ય છે. આવા લગ્નો રાષ્ટ્રીય હિતમાં છે અને સમુદાયો અથવા પરિવારો દ્વારા દખલગીરીથી સખત રીતે સુરક્ષિત હોવા જોઈએ.

કોર્ટે જણાવ્યું હતું કે જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા બંધારણની કલમ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાનો અભિન્ન ભાગ છે. તેથી પોલીસે ધમકીનું મૂલ્યાંકન કરવું જોઈએ અને અટકાયતી પગલાં લેવા જોઈએ. સમાજમાં મનુસ્મૃતિનો આડકતરો એટલો પ્રભવ છે કે લોકોને/ રાજકીય પક્ષોને પ્રગતિશીલ વાત પચતી નથી.

શું RSS/ BJP/ VHP/ બજરંગ દળ/ દુર્ગા વાહિની/ આમ આદમી પાર્ટી આ યૂકાદાનું જાહેર સમર્થન કરશે ?

જો કે 2013માં, “Dr. Ambedkar Scheme for Social Integration through Inter-Caste Marriages” યોજના કેન્દ્ર સરકારે શરુ કરી હતી. 1 એપ્રિલ, 2023 ના રોજ, આ યોજનાને Protection of Civil Rights Act, 1955, તથા Scheduled Castes and the Scheduled Tribes (Prevention of Atrocities) Act, 1989ના અમલીકરણ માટે કેન્દ્રિય યોજના સાથે મર્જ કરવામાં આવી છે. આ યોજના હેઠળ, પાત્ર યુગલોને ₹2,50,000નું નાણાકીય પ્રોત્સાહન મળે છે. પરંતુ આ યોજના વિશે સરકાર કોઈ પ્રચાર કરતી નથી, વડાપ્રધાન અને RSSના નેતાઓ હંમેશા ચૂપ રહે છે ! વડાપ્રધાન અંબાણીને ત્યાં મેરેજમાં જાય છે, પણ આંતરજાતિય લગ્નમાં જતા નથી !

ગાંધીજીએ તેમની પૌત્રી મનુ ગાંધીના આંતરજાતિય લગ્નને આશીર્વાદ આપ્યા હતા. તેમણે આંતરજાતિય ન હોય તેવા કોઈપણ લગ્નમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના આશ્રમના નારાયણ દેસાઈના લગ્નમાં પણ હાજરી આપી ન હતી કારણ કે તે આંતરજાતિય લગ્ન નહોતા. ગાંધીજીએ આંતર-જાતિય લગ્નોને પ્રોત્સાહન આપેલ તે હકીકત હજુ ગોડસેવાદીઓ પચાવી શકતા નથી !

BY: રમેશ સવાણી ( ફેસબૂક એકાઉન્ટ અહેવાલ )