પારડી: ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે‘ એ કહેવત મુજબ ગતરોજ પારડીના ખુંટેજ ગામમાં તાંત્રિકે પાંચ કરોડ રૂપિયા આપવાની લોભામણી લાલચ આપીને વિધિના બહાને રૂ. 2.15 લાખની છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
સુત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ ઘટના 28 જુલાઈ, 2025 ની છે. ફરિયાદી મેહુલ (નામ બદલેલ છે) પોતાના ગેરેજ પર હાજર હતા ત્યારે તેમના બનેવી દયેશભાઈ રતનલાલ પટેલે તેમને કહ્યું કે તેમના ઓળખાણમાં છે એવા અનવરભાઈ થેબા મુંબઈ જઈ રહ્યા છે અને ખુંટેજ ચાર રસ્તા ખાતે તને મળવાનું કેતા છે. મેહુલ અને અનવરભાઈ બન્ને મળે છે અને અનવરભાઈએ મેહુલને તાંત્રિક વિધિ દ્વારા પૈસા બનાવવાની લોભામણી લાલચ આપે છે. અનવરભાઈ મેહુલને પાણી ભરેલી ટાંકીમાં શેમ્પૂ, ગુલાબજળ અને સાબુ પાવડર જેવી વસ્તુઓ નાખી કાગળના બંડલને ઘસતા રૂ. 20 અને રૂ. 500ની સાચી નોટો દેખાડે છે અને મેહુલ અનવરભાઈના કરતબમાં ફસાઈ જાય છે.
આ પછી તાંત્રિકના વેશમાં આવેલા અનવરભાઈ વિધિ માટે જરૂરી વસ્તુઓ લેવા અને વિધિ પૂર્ણ કરવાના બહાને ગુગલ પે તથા રોકડ સ્વરૂપે કુલ રૂ. 2,15,000 મેહુલભાઈ પાસે મેળવી લે છે. અને અમદાવાદમાં વિધિ પૂર્ણ કરીને રૂ. 5 કરોડ આપવાનું કહે છે, બાદમાં મેહુલ પોતાને અપાયેલી કોથળી ખોલે છે તો તેમાં માત્ર પાંચ બંડલોમાં જ રૂ. 500ની સાચી નોટો હતી. બાકીના તમામ બંડલોમાં “ભારતીય મનોરંજન બેંક” લખેલી નકલી નોટો મળી આવે છે અને ભાંડો ફૂટે છે. ત્યાં સુધીમાં તો અનવરભાઈ નામના તાંત્રિક વિધિના બહાને રૂ. 2.15 લાખની છેતરપિંડી કરીને છુમંતર થઇ જાય છે અને બાદમાં ફરિયાદી (મેહુલ) આ મુદ્દે પોલીસ ફરિયાદ કરે છે અને પોલીસ પોતાની કાર્યવાહી હાથ ધરે છે.











