વલસાડ: વલસાડના સરોધી ગામમાં બિસ્માર રસ્તા પર ફસાયેલી કારને બહાર કાઢવા ગયેલા કેટલાક યુવકોની પોલીસે અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોડી રાત્રે પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.સરોધી ગામમાં રેતીના પ્લાન્ટમાં આવતા વાહનોને કારણે ગામનો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. મોડી રાત્રે આ બિસ્માર માર્ગ પર એક ઇનોવા કાર ફસાઈ ગઈ હતી.
Decision News ને મળેલી માહિતી મુજબકાર ચાલકની મદદ માટે ગામના યુવકો દોડી આવ્યા હતા.ગામલોકોનો આક્ષેપ છે કે, ઇનોવા કારને બહાર કાઢવા આવેલા યુવકોને પોલીસે ખોટી રીતે માર મારીને અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, સામસામે આવેલા જૂથો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે યુવકોની અટકાયત કરવામાં આવી હતી.
નોંધપાત્ર છે કે, ગામલોકોએ બે દિવસ અગાઉ પણ બિસ્માર માર્ગને લઈને આવેદનપત્ર આપ્યું હતું. વારંવાર બિસ્માર માર્ગ પર ફસાતા વાહનોને બહાર કાઢવામાં મદદ કરતા યુવકોની જ પોલીસે અટકાયત કરતા ગામલોકોમાં વધુ રોષ ભભૂકી ઉઠયો હતો.મોડી રાત્રે મોટી સંખ્યામાં ગામલોકો પોલીસ સ્ટેશન પર એકઠા થયા હતા અને નિર્દોષ યુવકોને છોડાવવાની માંગ કરી હતી. તેમણે રેતીના પ્લાન્ટના કારણે ગામના રસ્તાઓ બિસ્માર બન્યા હોવા અને ખેતરોને નુકસાન થયું હોવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો.











