વલસાડ: વલસાડ પોલીસે ડુંગરા પોલીસ સ્ટેશન હદના લવાછા ગામમાંથી ગુમ થયેલા બિહારના દંપતીના રહસ્યમય કેસનો ભેદ ઉકેલ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દંપતીનું અપહરણ કરી ઓનર કિલિંગના ભાગરૂપે હત્યા કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાંથી ઝડપી લેવામાં આવ્યો છે.ગત 21 સપ્ટેમ્બર 2025ના રોજ લવાછા ગામના દુખન કપિલ સાવ અને તેમની પત્ની મુન્નીકુમારી અચાનક ગુમ થયા હતા. તેમના સગાએ 24 સપ્ટેમ્બરના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુન્નીકુમારીના પરિવારજનોને આ દંપતીના લગ્ન મંજૂર ન હોવાથી તેના ભાઈઓ રાકેશ, મુકેશ અને અવધેશ દ્વારકાપ્રસાદ સાવ, તેમજ અન્ય સાથીઓએ મળીને 21 સપ્ટેમ્બરની રાત્રે દંપતીનું અપહરણ કર્યું હતું.ડુંગરા પોલીસે તા. 1 ઓક્ટોબરે BNSની કલમ 140(3), 142 અને 54 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમોએ વાપીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના 16થી વધુ જિલ્લાઓની પોલીસ સાથે સંકલન કર્યું હતું.આ દરમિયાન મુખ્ય આરોપી આશુતોષ પ્રેમપ્રકાશ નિષાદ (રહે. સુરંગી, સેલવાસ; મૂળ વતન – અયોધ્યા, ઉત્તરપ્રદેશ)ને અયોધ્યા જિલ્લાના બીકાપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો.

Decision News ને મળેલી માહિતી મુજબ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે દંપતિને ટ્રેન મારફતે લઈ જઈ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના જંગલ વિસ્તારમાં બંનેની ગોળી મારી હત્યા કરી હતી. બાદમાં બંનેની લાશ અલગ અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.આ હકીકત બાદ હાથીનાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલી એક યુવતીની લાશની ઓળખ મુન્નીકુમારી તરીકે થઈ હતી, અને ત્યાં ગુ.ર.નં. 0031/2025 હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડુંગરા પોલીસે આશુતોષ નિષાદની કાયદેસરની કાર્યવાહી બાદ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય ત્રણ આરોપીઓ રાકેશ, મુકેશ, અવધેશ દ્વારકાપ્રસાદ સાવ અને મુન્નો દ્વારકાપ્રસાદ સાવ હાલ વોન્ટેડ છે.પોલીસ તપાસ દરમિયાન ત્યાંથી થોડી જ દૂરીએ એક માનવ કંકાલ પણ મળી આવ્યો છે, જેની ઓળખ માટે હાલ ઉત્તર પ્રદેશ પોલીસ તપાસ કરી રહી છે. આ કેસની તપાસ વલસાડ SP યુવરાજસિંહ જાડેજા (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ, ડુંગરા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.વોન્ટેડ આરોપીઓ મુકેશકુમાર દ્વારકાપ્રસાદ સાવ રાકેશકુમાર દ્વારકાપ્રસાદ સાવ અવધેશકુમાર દ્વારકાપ્રસાદ સાવ મુન્નો દ્વારકાપ્રસાદ સાવ છે.