નવસારી: જલાલપોર પોલીસે ઘરફોડ ચોરી કરતી આંતર જિલ્લા ટોળકીના બે મુખ્ય સૂત્રધારોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. તેમની પાસેથી આશરે 194 ગ્રામ સોનાના દાગીના અને રૂ. 13,500 રોકડા કબ્જે કરવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે સાગરિતોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ ચાલુ છે.ગત તા. 12/09/2025ના રોજ જલાલપોરના આટ ગામના પારસ ફળિયામાં રહેતા બિપીનભાઈ ભાણાભાઈ પટેલના બંધ મકાનમાં રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ બનાવ અંગે જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-305(એ) અને 331(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી.સઘન તપાસના અંતે બે આરોપીઓની ઓળખ થતા તેમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અમતુ ઉર્ફે અમથુમકવાણા (ઉં.વ. 55, રહે. પાલીતાણા, જિ. ભાવનગર) અને ભાવુ ઉર્ફે ભાવુડો છનાભાઈ ચુડાસમા (રહે. કુકડ, તા. ઘોઘા, જિ. ભાવનગર) નો સમાવેશ થાય છે.

પોલીસે તેમની પાસેથી કુલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.પકડાયેલ મુખ્ય આરોપી અમતુ મકવાણા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે અગાઉ માંગરોળ, વરતેજ અને ચીખલી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના પાંચ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ રમેશ રાયાભાઈ ચુડાસમા (રહે. પસ્વી, તા. તળાજા) અને સંજય ઉર્ફે ટુંકી મોય દિલુભાઈ વાઘેલા (રહે. તળાજા) ને પકડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.આરોપીઓની મોડસ ઓપરેન્ડી (એમ.ઓ.) મુજબ, તેઓ બંધ મકાનના દરવાજામાં બહારથી સાધન (ચારડી) વડે કાણું પાડી લોખંડના સળિયા વડે અંદરથી આગળો ખોલી ઘરમાં પ્રવેશ કરતા અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here