નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સ્ટેટ હાઇવે ક્રોસ કરતા એક દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 3 ઓક્ટોબરના રોજ ધોળા દિવસે ટ્રાફિકની પરવા કર્યા વિના, દીપડો રસ્તો ઓળંગી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
આ દ્રશ્યો 3 ઓક્ટોબરના હોવાનું કહેવાય છે. વાંસદા નજીક સ્ટેટ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો તે સમયે સ્તબ્ધ થઈ ગયા હતા જ્યારે અચાનક એક દીપડો જંગલ વિસ્તારમાંથી બહાર આવીને રસ્તો ઓળંગવા લાગ્યો હતો. ટ્રાફિક વચ્ચે પણ દીપડાએ રસ્તો પસાર કર્યો હતો. આ સમગ્ર દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.
આશરે 20 સેકન્ડના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો સંપૂર્ણ સ્વસ્થતાથી વાહનોની અવરજવર વચ્ચેથી પોતાનો માર્ગ બનાવી રહ્યો છે. ધોળા દિવસે દીપડો દેખાતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી હાલમાં માનવ વસાહત વાળા વિસ્તારોમાં દીપડાની અવરજવર જોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે.

