નવસારી: નવસારીમાં નગરપાલિકાના સમયે ફૂવારાથી સ્ટેશન સુધી ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. આ ડિવાઇડર પર વૃક્ષો રોપી બન્ને તરફ ગ્રીલ લગાવવામાં આવી હતી. જે સમય જતા ઘણી જગ્યાથી તુટી જવા પામી છે. પાલિકામાંથી મહાપાલિકા બની ગયા બાદ તેને દુરસ્ત કરવાની કામગીરી કરવામાં આવી નથી.

નવસારી શહેરમાં થોડા વર્ષ પહેલા ફૂવારાથી સ્ટેશન વિસ્તાર સુધીમાં ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. જોકે, ડિવાઇડર બન્યાના થોડા દિવસમાં જ તેની કામગીરી અંગે પ્રશ્નો ઉઠયા હતા. ડિવાઇડરની બન્ને તરફ ગ્રીલ લગાવવામાં આવી હતી. જે હાલ ઘણી જગ્યાથી તુટી અથવા ઉખડી જવા પામી છે.ડિવાઇડરમાં હાલમાં માર્ગને રોશનીથી આકર્ષક બનાવતા લાઇટ પોલ લગાવવામાં આવ્યા છે. પણ આ લાઇટપોલ લગાવ્યા બાદ મહાપાલિકાને તુટેલી ગ્રીલ લગાવવાનો સમય નથી મળી રહ્યો.

દિવાળીનો તહેવાર નજીક હોય અને મહાપાલિકા શહેરને સુંદર બનાવવા પ્રયત્ન કરી રહી હોય તેવા સમયે આવા તુટેલા ડિવાઇડર શહેરની સુંદરતામાં ઘટડો કરી રહ્યાં છે.વિજલપોર નગરપાલિકા સમયે શુશ્રૃષા હોસ્પિટલથી શિવાજી ચોક સુધી ડિવાઇડર બનાવવામાં આવ્યા હતા. જોકે ડિવાઇડર બનાવ્યા બાદ તંત્ર ભુલી ગયુ હોય તેવું જણાઇ રહ્યું છે. તેમાં વાવેલ છોડની જાળવણી કરવામાં આવી નથી. તો જર્જરીત બનેલા ડિવાઇડરને વ્યવસ્થિત કરવામાં પણ નથી આવ્યા.