નવસારી: નવસારી સહિત સમગ્ર રાજ્યમાં દર બીજી વ્યક્તિ ઇ આરટીઓ ચલણ એપીકે છેતરપિંડીનો ભોગ બને છે તેવી છેતરપિંડીનો ભોગ બનેલા ગણદેવીના શખ્સની ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા પાંચ દિવસમાં ગુનો ડિટેકટ કરી વાપીથી ચાર આરોપીની અટક કરી હતી. તમામને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

નવસારીના ગણદેવીમાં રહેતા શખ્સ દ્વારા આરટીઓ ચલણ એપીકે કેસમાં ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ વિભાગે ખાતેદારની ઓળખ કરી વાપીમાં રહેતા પ્રકાશ તિવારી, સચિન સિંઘ, સોમો કુમાર શર્મા અને રમેશ મંડળ નામના ચાર પરપ્રાંતીય યુવાનની અટક કરી હતી.તમામ યુવાનો તેમના ખાતા સાયબર ક્રાઇમના આરોપીઓને ભાડે આપતા હતા. તમામને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ હાલમાં ચાઇનીઝ- મ્યાનમાર અને કમ્બોડીયાની ગેંગની સંડોવણી હોવાનું અનુમાન લગાવી રહી છે.

APK ફાઇલના ફ્રોડથી બચવા માટેના પગલાં:

  1. વોટ્સ એપ માં જઈ Settings > Privacy > Advanced > Block unknown account messages ને Enable રાખવું, જેથી અજાણ્યા નંબર પરથી આવતી APK થી બચી શકાય.
  2. ગુગલ પ્લેસ્ટોર સિવાય અન્ય કોઇ પણ સ્ત્રોત જેવા કે વોટ્સએપ, ટેલિગ્રામ પરથી કોઇપણ નામથી, PMKISAN. apk, YESBANK. apk, RTO Challan.apk, YONOSBI. apk જેવી એપ પર ક્લિક ન કરવું. આવી ફાઇલ પર ક્લિક કરવાથી તમારો ફોન હેક થઇ શકે છે. ફોનમાં APK ઇન્સ્ટોલ થઇ જાય તો, તુરંત જ ફોન ફ્લાઇટ મોડ પર કરી સીમકાર્ડ બહાર કાઢી લેવું અને અન્ય સુરક્ષિત ફોનમાં ઇન્સર્ટ કરી ઓનલાઇન બેંકિંગના તમામ પાસવર્ડ અને પિન બદલી લેવા.
  3. અસરગ્રસ્ત ફોનમાં M-KAVACHA 2.0 APP પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી. ફોન સ્કેન કરી તેમાં Risky બતાવતી તમામ એપ અનઇન્સ્ટોલ કરી દેવી. બેંકનો સંપર્ક કરી તમારા બેંક ખાતા સુરક્ષિત કરાવવા.જો પૈસા કપાયા હોય તો તુરંત જ પ્રથમ એક કલાકમાં સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરો.