નવસારી: નવસારી જિલ્લામાં સાયબર ફ્રોડની ઘટનાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવી રહ્યાં છે. છેલ્લા બે દિવસમાં આવા 3 જેટલા કિસ્સા નોંધાઇ ચુક્યા છે. ત્યારે વિજલપોરની મહિલા પાસેથી ગઠીયાઓએ રૂ.47 હજાર જેટલી માતબર રકમ એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી બેન્કના ખાતામાં રૂપિયા સેરવી લીધાની ફરિયાદ નવસારીમાં નોંધાઇ છે. વિજલપોર પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

વિજલપોર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી છે,જેમાં તેમણે ઓનલાઈન સાડી મંગાવી હતી. જેમાં સરનામું બદલવા માટે રૂ. 2નો ખર્ચ થશે તેમ સાયબર હેકરોએ લાલચ આપી બે APK ફાઇલ ડાઉનલોડ કરવા આપી અને થોડા સમયમાં 47 હજાર ઓનલાઇન ખાતામાંથી ઊપડી ગયા હતા. વિજલપોરમાં રહેતા જીનલબેને ફેસબુક પર કલામંદીર (કલોધિંગ બ્રાન્ડ) નામના પેજ પરથી સાડીની ઓનલાઈન ખરીદી કરી હતી. તા.8થી 11 ઓગસ્ટ દરમિયાન પાર્સલ ડિલિવરી માટેનું એડ્રેસ બદલવાના બહાને આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું.

આરોપીઓએ ફરિયાદીને તેમના વોટ્સએપ નંબર પર એક APK ફાઈલ મોકલી હતી અને માત્ર રૂ. 2 કપાશે તથા સરનામું બદલાઈ જશે તેવી ખાતરી આપી તેના પર ક્લિક કરવા જણાવ્યું હતું. ફરિયાદીએ બે વખત એપ ડાઉનલોડ કર્યા બાદ, તા. 9 ઓગસ્ટના રોજ તેમના બેંક ઓફ બરોડાના ખાતામાંથી પ્રથમ 2 કપાયા હતા. જોકે ત્યારબાદ તરત જ 11 ઓગસ્ટના રોજ આરોપીઓએ તેમના આઈડિયાને અંજામ આપ્યો હતો.તેમણે ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા જીનલબેનના બેંક ઓફ બરોડા અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકના ખાતામાંથી અનુક્રમે ચારવાર કુલ 47 હજાર મેળવી લીધી હતી. આ સ્પષ્ટપણે ટેકનિકલ માધ્યમથી થયેલી નાણાંકીય છેતરપિંડીનો મામલાની તપાસ પીઆઇ એન.આઇ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા અવારનવાર સાયબર ફ્રોડ અંગે જિલ્લાના નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે.

પોલીસની નાગરિકોને ભારપૂર્વક અપીલ

  • અજાણ્યા સ્રોતમાંથી આવતી કોઈપણ APK ફાઈલ, લીંક કે એપ ડાઉનલોડ કરવી નહીં.
  • ઓનલાઈન ખરીદી કે ડિલિવરી સંબંધિત કોઈપણ ફેરફાર માટે બેંક ખાતાની માહિતી કે OTP આપવા નહીં.
  • નાણાંકીય વ્યવહારોમાં હંમેશાં અત્યંત સાવચેતી રાખવી અને સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here