ડાંગ: ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ ટેમ્પો પલ્ટી મારી જતા મોટુ નુકસાન થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિકથી ટામેટાનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલ ટેમ્પો (નં. જીજે-03-બીવાય-0408) સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા.
આ ટેમ્પો માર્ગની લગોલગ પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.અહીં ટેમ્પો માર્ગની લગોલગ પલ્ટી મારી જતા બસ સહિત અન્ય મોટા વાહનોને અવરજવરની તકલીફો ઉભી થઇ હતી. આ અકસ્માતના બનાવમાં લાખોની કિંમતનો ટામેટાનો જથ્થો ચગદાઈ જતા માલિકને જંગી નુકસાન થયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ જ્યારે ટેમ્પોનો પણ ખુરદો બોલાઈ ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજા પહોંચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સાંપડી છે. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

