નવસારી: નવસારી મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને ખાસ ભેટ આપવામાં આવી છે. 9 ઓગસ્ટના રોજ સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓ માટે સીટી બસમાં મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ સુવિધા સવારની પ્રથમ પાળીથી રાત્રીની બીજી પાળી સુધી ચાલુ રહેશે. મહિલાઓ નવસારી મહાનગરપાલિકાની કોઈપણ સીટી બસમાં અને કોઈપણ રૂટ પર વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

આ પહેલનો મુખ્ય હેતુ બહેનો પોતાના ભાઈના ઘરે સમયસર પહોંચી શકે તે છે.નવસારી શહેરમાં મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવા શરૂ થયા બાદ લોકોને અવર-જવરમાં ઘણી અનુકૂળતા થઈ છે. નવસારી નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવા શહેરીજનોને સસ્તી અને સુવિધાજનક સેવા પૂરી પાડે છે.

સિટી બસના મેનેજર ધીરુભાઈના જણાવ્યા અનુસાર, આશરે સાડા ત્રણ હજાર જેટલી બહેનો આ મફત સેવાનો લાભ લેશે એવો અંદાજ છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ચાર વર્ષથી આ પરંપરા શહેરમાં અકબંધ રાખવામાં આવી છે.નવસારી વિજલપોર નગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી બસ સેવા શરૂ થયા ત્યારથી રક્ષાબંધન અને ભાઈબીજના દિવસે મહિલાઓને બસમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધાનો લાભ નવસારી શહેરની મહિલાઓ ઉપરાંત હવે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતી મહિલાઓ પણ લઈ શકશે.