સુરત: શહેરમાં વાહન ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સલાબતપુરા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે શહેરના કાપડ બજારના અલગ-અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતા વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી નામના રીઢા ચોરને ઝડપી પાડ્યો છે. આ આરોપીની ધરપકડ બાદ પોલીસે તેની પાસેથી આઠ ચોરાયેલી સ્પ્લેન્ડર મોટરસાઈકલ કબજે કરી છે, જેનાથી સિંગણપોર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના આઠ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી છેલ્લા બે મહિનાથી શહેરમાં સક્રિય હતો અને તેણે આ ગાળામાં જ સાત જેટલી મોટરસાઈકલ ચોરી કર્યાની કબૂલાત કરી છે. તેની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી હતી. આરોપી પાંચેક વર્ષ અગાઉ સલાબતપુરા માર્કેટમાં કામ કરી ચૂક્યો હોવાથી તે વિસ્તારના રોડ-રસ્તા અને સીસીટીવી કેમેરાથી સારી રીતે વાકેફ હતો.
આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી (ઉં.વ.36 રહે.ઘર.નં-65, ભવાનીનગર, ડભોલીગામ સુરત તથા મુળ રહે-ધુલીયા મહારાષ્ટ્ર ) ચોરી કર્યા બાદ સીસીટીવી કેમેરાની નજરથી બચવા અને પોતાની ઓળખ છુપાવવા માટે તે ખાસ તકેદારી રાખતો હતો. તે દર વખતે અલગ-અલગ વેશ ધારણ કરીને બપોરના સમયે વાહન ચોરી કરવા આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે મુખ્યત્વે સ્પ્લેન્ડર મોટરસાઈકલને જ નિશાન બનાવતો હતો.
સુરત શહેરમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી, ત્યારે સલાબતપુરા પોલીસ દ્વારા કરવામાં બાઈક ચોર ને શોધવા માટે ટીમો બનાવામાં આવી હતી. પોલીસે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરીને અને ગુપ્ત માહિતીના આધારે આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાઓનો પણ ભેદ ખૂલે તેવી શક્યતા છે અને પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

