સુરત: સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. અનરાધાર વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સુરત SRP વાવ કેમ્પ ખાતે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ત્રણ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાંથી એક ટીમને ભારે વરસાદથી પ્રભાવિત નવસારી ખાતે તાત્કાલિક રવાના કરવામાં આવી છે.

SRP ગ્રુપ વાવના DYSP અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, SRP જૂથ 11 વાવ ખાતે SDRFની કુલ 3 ટીમો દર વર્ષે તૈનાત રહે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નવસારીમાં પણ ભારે વરસાદ હોવાથી ત્યાં એક ટીમને તાત્કાલિક મોકલવામાં આવી છે. બાકીની 50 અધિકારીઓ અને જવાનોની બે ટીમો સુરત શહેરી અને ગ્રામ્ય વિસ્તારો તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કોઈપણ સ્થળે વરસાદી પાણીથી સર્જાતી મુશ્કેલી, રેસ્ક્યુ, રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, SDRF ટીમ પાસે ફાયબર બોટ, રબર બોટ, લાઇફ જેકેટ, કટર મશીન, સર્ચ લાઈટ, રસ્સા, અને બોઈયારીંગ સહિતના તમામ જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ છે, જે પાણીમાં ફસાયેલા લોકો અને જાનમાલને બચાવવામાં મદદરૂપ થશે. છેલ્લા બે દિવસમાં આ ટીમો દ્વારા નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે ખુબ જ સારી બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી છે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here