ડાંગ: ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલી અંધજન શાળામાં એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં શાળાના એક કર્મચારી ધનસુખભાઈ પર નાની દ્રષ્ટિહીન બાળકીઓ સાથે શારીરિક સંબંધો બાંધવાનો અને તેમને ધમકાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગત અને સમાજમાં ભારે આક્રોશ અને ચિંતા જગાવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ધનસુખભાઈ નામના આ વ્યક્તિએ દ્રષ્ટિહીન અને શારીરિક રીતે નબળી બાળકીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી, તેમની સાથે જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ કૃત્ય બાદ, તેમણે ભોગ બનનાર બાળકીઓને કોઈને પણ આ વાત ન કહેવા માટે ધમકી પણ આપી હતી, જેના કારણે ભોગ બનનાર બાળકીઓ ભયભીત હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુખભાઈ નામના શિક્ષક દ્વારા લાંબા સમયથી શાળાની નાની વિદ્યાર્થિનીઓ સાથે કથિત રીતે ખરાબ વર્તન કરવામાં આવતું હતું. તાજેતરમાં જ એક વિદ્યાર્થિની સાથે ધનસુખભાઈ દ્વારા ખરાબ ઇરાદાથી શરીરના ગુપ્ત અંગો પર હાથ મૂકી છેડતી કરી મજબૂરીનો ફાયદો ઉઠાવી શારીરિક સબંધ પણ બાંધ્યો હતો. આવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે.
વાલીઓની ફરિયાદ અને આચાર્યનો ઉડાઉ જવાબ:
આ વાતની જાણ થતાં જ વિદ્યાર્થિનીના વાલીઓ તુરંત શાળાના આચાર્ય પાસે પહોંચ્યા અને ધનસુખભાઈ દ્વારા છોકરીઓ સાથે થતી છેડતી અને શારીરિક સંબંધો બાંધવાની તથા છોકરીઓને ધમકી આપવાની અંગે ગંભીર ફરિયાદ કરી. જોકે, આચાર્ય દ્વારા વાલીઓને સંતોષકારક જવાબ આપવાના બદલે ગોળગોળ વાતો કરવામાં આવી હતી. આચાર્યએ વાલીઓને માત્ર એટલું જ જણાવ્યું હતું કે, “અમે આજે આ ધનસુખભાઈને નોકરી પરથી છૂટા કરીએ છીએ,” અને વાલીઓને ઘરે પરત ફરવા જણાવ્યું હતું.
શાળા સંચાલકોની નિષ્ક્રિયતા પર પ્રશ્નાર્થ:
આ ઘટના અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભોગ બનેલી વિદ્યાર્થિનીએ પોતાના વાલીઓને જણાવ્યું છે કે, આ પહેલા પણ આચાર્ય દ્વારા ધનસુખભાઈને આવી હરકતો બંધ કરવા માટે મીટિંગમાં ધમકાવવામાં આવ્યા હતા. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે શાળાના સંચાલકો આ શિક્ષકની હરકતોથી વાકેફ હતા, છતાં સમયસર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી. વિદ્યાર્થિનીએ વાલીઓને એવી પણ ભીતિ વ્યક્ત કરી હતી કે, તેણે આ વાત વાલીઓને કહી હોવાથી હવે શિક્ષક તેના પર ગુસ્સે થશે.
વાલીઓની માંગ અને ભવિષ્યની કાર્યવાહી:
આ સમગ્ર મામલે વાલીઓને આચાર્ય કે ટ્રસ્ટીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. વાલીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ, ધનસુખભાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને શાળામાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવાય તેવી માંગ કરી છે.
આ ઘટનાએ અંધજન શાળામાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. શું આ મામલે યોગ્ય તપાસ થશે? શું દોષિત શિક્ષક સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે? અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે શાળા સંચાલકો દ્વારા કેવા પગલાં લેવાશે તે જોવું રહ્યું. આ મુદ્દે સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.

