ભરૂચ: ભરૂચ શહેરમાં સાંજના સમયે તીવ્ર પવન સાથે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડયું છે. કાળા ડિબાંગ વાદળો સાથે શરૂ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો.મકતમપુર વિસ્તારમાં એક વૃક્ષ રસ્તા પર પડી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ અંગેની જાણ થતાં જ સી ડિવિઝન પોલીસ મથકમાં નવા આવેલા પીઆઈ એ.વી.પાણમિયા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓએ પોતાના હાથમાં કુહાડી લઈને વૃક્ષની ડાળીઓ કાપવાનું શરૂ કર્યું હતું. આ કામગીરીમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને તેમની ટીમે પણ સહયોગ આપ્યો હતો.
સૌના સહિયારા પ્રયાસથી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાંથી પસાર થતા નાગરિકોએ પોલીસની તત્પરતા અને સેવાભાવી કાર્ય માટે પ્રશંસા કરી હતી. વાવાઝોડાની અસરથી શહેરના અન્ય વિસ્તારોમાં પણ વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા હોવાના અહેવાલ છે.

