આહવા: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના 102 વર્ષ પૂર્ણ થતા સમર્ગ રાજ્યમાં ચાર ઝોનમાં રેડ ક્રોસ રથની યાત્રા કરવામાં આવી રહેલ છે. જેનાં ભાગરૂપે આજરોજ તારીખ 4 એપ્રિલના રોજ આહવા ખાતે રેડ ક્રોસ રથનું આગમન થયું હતું. અહિં રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ડાંગ જિલ્લા રેડ ક્રોસ શાખા આહવાના તમામ સભ્યોએ રથનું સ્વાગત કરી આહવા નગરમાં જન જાગૃતિ રેલી યોજી હતી.

આહવા રેડ ક્રોસ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટશ્રી ડો. અમૃતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચેરમેન શ્રીમતી નયનાબેન પટેલ, સેક્રેટરી શ્રી લાલુભાઇ વસાવા, ટ્રસ્ટીઓ સર્વેશ્રી ઝાકીર શેખ, શ્રી સ્નેહલ ઠાકરે, શ્રી હંસરાજ વસાવા, બ્લડ બેંકના મેડિકલ ઓફિસર ડો. સ્મિતા પટેલ સહિત સ્ટાફ મેત્રોએ રથને ફુલહારથી સ્વાગત કરી આવકાર્યો હતો. આ રથ યાત્રા અંગે વધુ માહિતી આપતાં સભ્ય શ્રી સ્નેહલ ઠાકરેએ જણાવ્યું હતું કે, રેડ ક્રોસની વિવિધ પ્રવૃતિઓ અને માનવ સેવાની વાત રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચે તેમજ લોકો રેડ ક્રોસના સદસ્યો બની માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરવા માટે પ્રેરાય તે માટેનો છે.

ઉલ્લેખનીય છે કે, તારીખ 8 મી મેના રોજ ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ દિવસની ઉજવણીના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે તે માટે ખાસ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા આ રથનું આયોજન કરવામાં આવી રહેલ છે.