સુરત: સુરતના ભેસ્તાન વિસ્તારમાં 16 વર્ષના કિશોરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરતા 16 વર્ષીય કિશોરની હત્યા અન્ય 5 બાળકોએ કરી હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના ઉન પાટિયા પ્લેટેનીયમ પ્લાઝા રોયલ પાર્કની સામે ખુલ્લા પ્લોટમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને થતા ભેસ્તાન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર પોલીસે તપાસ કરતા મૃતકની ઓળખ ઉન પાટિયા આસમાનગર પાસે રહેતા 16 વર્ષીય અનસ ફકરૂદિન શેખ તરીકે થઇ હતી. તેની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી કાયદાના સંઘર્ષમાં આવેલા 5 બાળકોને પકડ્યા હતા અને તેની પૂછપરછમાં મૃતક તેઓને ચીડવતો હોય તેઓએ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. એસીપી નિરવ ગોહિલએ જણાવ્યું હતું કે કંટ્રોલ રૂમ મારફતે ભેસ્તાન પોલીસને એવી માહિતી મળી હતી કે ઉન ગામની સીમમાં રોયલ પાર્કની સામે એક ખુલ્લા પ્લોટમાં ડેડબોડી પડેલી છે અને તેનું મર્ડર થયેલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું જેથી સ્થાનિક પોલીસના અધિકારી અને કર્મચારી તાત્કાલિક સ્થળ પર પહોચી ગયા હતા અને ડેડબોડી જોતા આશરે 15 વર્ષની આસપાસની ઉમરનો છોકરો જણાય આવ્યો હતો અને તેનું મર્ડર થયેલાનું જણાય આવતું હતું જેથી સૌ પ્રથમ તેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ઓળખ પ્રસ્થાપિત થઇ ત્યારે મરણજનારનું નામ અનસ ફકરૂદીન શેખ અને તે આસમાં નગર ઉન પાટિયા ભેસ્તાનનો રહેવાસી જણાય આવ્યું હતું. જેથી તેના વાલી વારસાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેના પિતાની પૂછપરછ કરીને પિતાની ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં અન ડિટેકટ મર્ડર ગુનો નોંધવામાં આવ્યો હતો.

તે દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો મળી આવ્યા હતા અને તેમની પૂછપરછ કરતા તેમણે ગુનો કરેલાની કબુલાત કરી હતી. જેથી કુલ 5 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને તાબામાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાંચ બાળકો છે જે પૈકી એકની ઉમર 10 વર્ષ છે, બીજા બેની ઉમર 12-12 વર્ષની છે એકની ઉમર 13 વર્ષ છે અને એકની ઉમર 14 વર્ષની છે. આ પાંચેય બાળકો અને મૃતક કિશોર બધા સાથે જ રમતા હતા બધા મિત્રો હતા પરંતુ રમતા રમતા આ બાળકોનો ઝગડો થયો હતો. મૃતક કિશોર આ બાળકોને ચીડવતો હતો અને ગાળો બોલતો હતો. જેથી પાંચેય બાળકોએ નક્કી કરી આ પાંચ બાળકો પૈકી એક બાળકે ઘરેથી છરી લાવીને આ પાંચેય બાળકોએ પ્લાનિગ કરીને બાળકને છરીનો ઘા મારી હત્યા કરી છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે.