ચીખલી: બાળકોમાં રહેલ વિવિધ ખેલકૂદની શક્તિઓને ઉજાગર કરતી સ્પર્ધા એટલે ખેલ મહાકુંભ, લાયન્સ જૂહુ શ્રી વી. કે. પટેલ વિદ્યાલય સારવણી બાળકોના સર્વાંગી વિકાસ કરતી પ્રગતિશીલ ગ્રાન્ટેડ શાળા છે. ખેલ મહાકુંભની અંદર દોડ, કબડ્ડી,ખોખો,ચક્ર ફેક ,લાંબી કૂદ જેવી સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરે છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ બે વર્ષમાં શાળા 7 વખત રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. હાલ તારીખ 24/04/2025 ના રોજ નડિયાદ મુકામે યોજાયેલ ખેલ મહાકુંભ ની અંદર શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પટેલ પાર્થ મુકેશભાઈ જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવી 800 મીટર દોડ માં સમગ્ર રાજ્યના 40 સ્પર્ધકો વચ્ચે પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા, માતા પિતા અને નવસારી જિલ્લાનું નામ ગર્વથી ઊંચું કર્યું છે, ત્યારે સમગ્ર શાળા પરિવાર અને ગ્રામજનો તથા શાળા સંચાલક મંડળ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે.
શાળાના આચાર્યશ્રી કલ્પેશભાઈ આહિર અને શાળા પરિવારે પાર્થ પટેલને સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પુષ્પગુચ્છ અને મેડલ અર્પણ કરી તમામ બાળકોની સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. અને ભવિષ્યમાં હજુ ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે અને સમગ્ર રાજ્યનું નામ ગુંજતું કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.. સાથે એમને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ અને રાજનભાઈ પટેલને પણ સમગ્ર શાળા પરિવાર અને સંચાલક મંડળ વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

