દમણ: દમણના મશાલ ચોકથી એરપોર્ટ તરફ જતા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ખારાવાડના રહેવાસી મોહસીન નામના યુવકની મોપેડ સ્વિફ્ટ ડિઝાયર કાર સાથે અથડાઈ હતી. અકસ્માત આરટીઓ ઓફિસની સામે થયો હતો. ઉમરસાડીનો કાર ચાલક સ્વિફ્ટ ડિઝાયર (GJ15CH5684) લઈને એરપોર્ટ રોડથી મશાલ ચોક તરફ આવી રહ્યો હતો. તે સમયે મોહસીન પોતાની મોપેડ (DD03N9435) પર રોંગ સાઈડથી આરટીઓ ઓફિસ તરફ આવી રહ્યો હતો.

Decision news ને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મોહસીન મોબાઈલ ફોન પર વાત કરતો હતો. તે બેદરકારીથી મોપેડ ચલાવી રહ્યો હતો. આ કારણે તે કાર સાથે સીધો અથડાયો હતો. અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે મોહસીનને ગંભીર ઈજાઓ થઈ હતી. કારની એરબેગ ખુલી જવાથી ચાલકને કોઈ મોટું નુકસાન થયું નહીં.

સ્થાનિક લોકોએ તુરંત 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. ઘાયલ યુવકને પહેલા મોટી દમણ સીએચસીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેની ગંભીર હાલતને કારણે વાપીની હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.