દમણ: ક્યારેક પ્રોજેક્ટ દરમિયાન નાછૂટકે કોઈ વૃક્ષ કાપવું પડે ત્યારે જીવ કપાઈ જાય.” બાંધકામ ક્ષેત્રે કામ કરતા દીવના જાણીતા ‘નગરશેઠ’ પરિવારના ધવલભાઈ શાહે આ વાત કરી આ વાત કરીને રોકાયા નહીં. એમણે નક્કી કર્યું કે એક વૃક્ષ કપાય એની સામે સેંકડો નવા વૃક્ષો વાવવા એ પણ જતન થાય એ રીતે તે અગત્યનું.

ધવલભાઈ કહે, “મારો સંકલ્પ વૃક્ષો વાવી ઉછેરવાનો પણ એ માટે માધ્યમ બન્યું VSSM. તમે સાથે આવ્યા તો મારો આ સંકલ્પ સાકાર થયો.” આમ તો ધવલભાઈના પરિવારમાં સેવાના સંસ્કાર પહેલાથી એમના દાદા કહેતા, “જે કમાવો એમાંથી દસ ટકા વિવિધ સમાજકાર્યો માટે વાપરવાનું.” દાદાજીએ સ્થાયેલી આ પરંપરા ત્રીજી પેઢીએ જીવે છે ને કદાચ એટલે જ ઈશ્વર પણ એમને લખલૂટ આપે છે.

જાણીતા સમાજસેવિકા મિતાલી પટેલ પોતાના instagram ID પર લખે છે કે નગરશેઠ પરિવારના સહયોગથી ગાંધીનગરના દેહગામ પાસે આવેલા ધારીસણા ગામમાં VSSM એ 2800 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું. ગામે પણ પાણી આપવાની જવાબદારી પોતાના શીરે લીધી. વૃક્ષ વાવવું એ માત્ર ખાડો ખોદીને છોડ મૂકવાની ક્રિયા નથી પણ એ એક જીવને પૃથ્વી પર સ્થાપિત કરવાની વિધિ છે એટલે અમે વૃક્ષદેવની સ્થાપના શોભાયાત્રા કરીને કરીએ. તમને જાણીને નવાઈ લાગશે કે એક પુખ્ત વૃક્ષ વર્ષે અંદાજે 22 કિલો કાર્બન ડાયોક્સાઈડ સોષી લેછે. હજારો જીવસૃષ્ટિ એટલે કે પક્ષીઓ ને કીટકોનું તે ઘર બને છે.

એટલે જ અમે કહીએ છીએ કે, “વૃક્ષ વાવવું એ સદભાગ્ય પણ તેને ઉછેરીને મોટું કરવું એ તપસ્યા.” VSSM દ્વારા અત્યાર સુધીમાં 22 લાખથી વધુ વૃક્ષો વિવિધ ગ્રામવનોમાં વવાયા છે. વૃક્ષઉછેર હવે ચળવળ બની રહી છે. ધવલભાઈ જેવા સ્વજનો જ્યારે આ ચળવળમાં જોડાય છે, ત્યારે પ્રકૃતિ પણ હરખાય છે. ખરેખર, પ્રકૃતિનું ઋણ અદા કરવાનો આનાથી શ્રેષ્ઠ માર્ગ બીજો એકેય નથી. ચાલો સૌ જોડાઈએ ને આપણી ધરતીને હરિયાળી કરીએ..

BY: સમાજસેવિકા મિતાલી પટેલ