દિલ્હી: આઈપીએલ 2025ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોમાંચક જીત મેળવી હતી. તેણે 210 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે 113 રન પર છ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિપરાજ નિગમ અને આશુતોષ શર્માએ કમાલની બેટિંગ કરી હતી. આશુતોષે સિક્સ ફટકારી મેચ સમાપ્ત કરી અને દિલ્હીને એક વિકેટે જીત અપાવી હતી.
આશુતોષ અને વિપરાજનો કમાલ: મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો તો લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટ પર 208 રન ફટકારી દીધા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે એક સમયે 7 રનમાં 3 અને 116 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. જેક ફ્રેઝર મેકગર્ક (1), અભિષેક પોરેલ (0) અને સમીર રિઝવી (4) નિષ્ફળ રહ્યા હતા. આ પછી ફાફ ડુપ્લેસીસ (29), અક્ષર પટેલ (22) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (34) એ ઇનિંગ્સને સંભાળવાનું કામ કર્યું, પરંતુ તેઓ વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહીં. અહીંથી આશુતોષ અને વિપરાજ નિગમે દાવ સંભાળ્યો અને 22 બોલમાં 55 રનની ભાગીદારી કરી.
સિક્સ ફટકારી જીત અપાવી: વિપરાજે 15 બોલમાં આક્રમક 39 રન ફટકારી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે 5 ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. વિપરાજ આઉટ થયો તો દિલ્હીએ સતત વિકેટ ગુમાવી હતી. પરંતુ રેલવે માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમનાર આશુતોષે હિંમત ન હારી અને મેચ જીતી લીધી હતી. આશુતોષે પાછલી સિઝનમાં પણ કમાલની બેટિંગ કરી હતી.
દિલ્હીએ 3.80 કરોડમાં ખરીધો: આઈપીએલમાં પાછલા વર્ષે આશુતોષે પંજાબ કિંગ્સ માટે પર્દાપણ કર્યું હતું. તેને 20 લાખમાં પંજાબે ખરીધો હતો. આશુતોષે 11 મેચમાં 189 રન બનાવ્યા. આ દરમિયાન તેને ઓછી તક મળી હતી. આશુતોષની બેટિંગથી પ્રભાવિત થઈ દિલ્હીએ ઓક્શનમાં તેને 3.80 કરોડમાં ખરીધો હતો. હવે તેણે પ્રથમ મેચમાં પોતાની પ્રતિભા સાબિત કરી છે.
કોણ છે આશુતોષ શર્મા?: 26 વર્ષના આશુતોષનો જન્મ મધ્ય પ્રદેશના રતલામમાં થયો હતો. તેણે 8 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને ક્રિકેટર બનવા ઈન્દોર આવ્યો. 10 વર્ષની ઉંમરે તેણે નાની-નાની નોકરી કરી અને કોઈક રીતે પોતાનું જીવન સંભાળી લીધું. આ દરમિયાન આશુતોષે બીજાના કપડા પણ ધોવા પડયા હતા. આજીવિકા કમાવવા માટે તેણે અમ્પાયરિંગ પણ કર્યું. ભૂતપૂર્વ ક્રિકેટર અમય ખુરસિયાએ તેમનું જીવન બદલી નાખ્યું હતું.
રેલવામાં નોકરીની તક: અમય ખુરસિયાએ આશુતોષને સુધારવામાં ખૂબ કામ કર્યું. આ ખેલાડી ધીમે-ધીમે મધ્યપ્રદેશની ટીમ સુધી પહોંચી ગયો. પરંતુ તેણે કોઈ કારણે આ ટીમ છોડી રેલવે જોઈન કરવું પડયું. ત્યાં તેને રમવાની તક મળી. આશુતોષને રેલવેમાં નોકરી પણ મળી હતી. આશુતોષે 17 ઓક્ટોબર 2023ના પોતાની તોફાની બેટિંગથી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેને આઈપીએલમાં પંજાબ તરફથી તક મળી હતી.

