ભિલાડ: ભિલાડમાં વર્ષ 2004માં ધાડ અને આર્મ્સ એકટ ગુનામાં ફરાર આરોપીને કાશી ચોરસી મઠ આશ્રમમાંથી 21 વર્ષ બાદ પકડી પડાયાની વાત સામે આવી છે. આરોપી ફરાર થયા બાદ સાધુવેશ ધારણ કરી આશ્રમમાં રહેતો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર ભિલાડ પોલીસ મથકમાં આનંદ શિવપૂજન તિવારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે આરોપીને પકડવા ભારે શોધખોળ કરવા છતાં કોઇ સફળતા મળી ન હતી. આખરે 21 વર્ષ બાદ ભિલાડ પોલીસ મથકના પો.કો. ભરત મેણશીભાઇને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ યુ.પી.ના કાશી સ્થિત ચોરસી મઠ આશ્રમમાં પહોંચી હતી.

આનંદ શિવપૂજન તિવારી નામનો આ આરોપી ફરાર થયા બાદ આશ્રમમાં પહોંચી સાધુ વેશ ધારણ કરી શ્રી 108 સ્વામી અનંતનાથના નામે રહેતો હોવાનું બહાર આવ્યું છે. ભીલાડ પોલીસે આરોપીની ધરપકડ કરી ભિલાડ લઈ આવવાની તજવીજ હાથ ધરી છે.