ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકામાં અસીમ નિઝામ શેખ નામના પોલીસના ચોપડે નોંધાયેલ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા તેમના બિનઅધિકૃત ઘરના બાંધકામને તોડી પાડવાના દ્રશ્યો સોશ્યલ મીડિયામાં બહાર આવ્યા હતા.
પોલીસે આતંક મચાવનાર અસીમ શેખ અને તેના ભાઈઓના બિનઅધિકૃત બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાના મૂળમાં જઈએ તો ખેરગામ તાલુકામાં 17 વર્ષની દીકરી વિભૂતિ (નામ બદલેલ છે) સાથે બુટલેગર અસીમ નિઝામ શેખ દ્વારા શોષણ અને ધમકીના ચકચારી કેસમાં ખેરગામ પોલીસ મથકે પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેને લઈને અસીમ શેખ અને તેના સાગરીત રોનક પટેલ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ગુનેગારો સામે 10થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ખંડણી, વ્યાજખોરી, બળાત્કાર અને મારામારીના કેસનો સમાવેશ થાય છે. હાલમાં ખેરગામ ગ્રામ પંચાયતની જમીન પર કરવામાં આવેલા અનધિકૃત બાંધકામને નિશાન બનાવવામાં આવ્યું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

