દમણ: દમણ જિલ્લા ફૂડ સેફટી ઓફિસર દીપક ટંડેલને જાગૃત નાગરિક તરફથી પાતલીયા સ્થિત કેયુર રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના અભાવની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ફૂડ સેફટી વિભાગની ટીમે રેસ્ટોરન્ટના રસોડામાં તપાસ હાથ ધરી હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર તપાસ દરમિયાન રસોડામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ખાદ્ય પદાર્થો ખુલ્લા રખાયા હતા, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. વધુમાં, રેસ્ટોરન્ટના કર્મચારીઓ પાસે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પણ નહોતા. આ ગંભીર ક્ષતિઓને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી ઓફિસરે રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે.

અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં સુધી સંચાલકો જરૂરી સુવિધાઓ અને લાયસન્સની વ્યવસ્થા નહીં કરે, ત્યાં સુધી રેસ્ટોરન્ટ સીલ રહેશે. આ કાર્યવાહીની અસર સંઘ પ્રદેશના અન્ય રેસ્ટોરન્ટ સંચાલકો પર પણ પડી છે. સ્વચ્છતાના ધોરણો ન જાળવનારા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.