ગુજરાત: આજે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા વાર કેટલા આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાનો નથી, તેનો સવાલ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં 261 ગામોમાં 334 આંગણવાડી કેન્દ્રો પાસે પોતાના મકાનો નથી, છોટાઉદેપુર જિલ્લાના 339 ગામોમાં 379 આંગણવાડીમાં મકાન નથી.
દર વર્ષે લાખો કરોડોનું બજેટ હોવા છતાં અને ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે તેમ છતાં આજે ગુજરાતમાં આદિવાસી સમાજના નાના બાળકો પાસે આંગણવાડીમાં બેસવા માટે જગ્યા પણ નથી, તે ખૂબ જ દુઃખની બાબત છે. આજે કુપોષણ અને અતિકુપોષણથી પીડાનારા બાળકોની સંખ્યા આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે. આનું કારણ બીજું કોઈ નહીં પરંતુ સરકારના પ્રભારી મંત્રીઓ, એનજીઓ કોન્ટ્રાક્ટરો છે. સ્થાનિક લોકોને શું જોઈએ છે તે જાણીને કોઈપણ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી. જરૂરિયાત વાળી વસ્તુઓમાં ધ્યાન નથી આપવામાં આવતું અને બિનજરૂરી કામોમાં કરોડો રૂપિયા ખર્ચ કરી નાખવામાં આવે છે.
હમણાં ગુજરાત પેટર્નના આયોજન દરમ્યાન 30 કરોડના ફંડમાંથી પ્રભારીમંત્રીએ 20 કરોડના કામો પોતાના લાગતા વળગતાની એજન્સીઓને સાથે રાખીને આયોજન કરી દીધું. આવી રીતે કરોડોના ટેન્ડર બારોબાર પોતાના લાગતા વળગતા લોકોની એજન્સીઓને આપી દેવામાં આવે છે. આવા કામોના કારણે આજે સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકારવું પડયું કે નર્મદા જિલ્લામાં 334 અને છોટાઉદેપુરમાં 379 આંગણવાડીઓ પાસે પોતાના મકાનો નથી જેના કારણે બાળકોને બહારના મકાનમાં કે કોઈ દાતાના મકાનમાં બેસીને ભણવું પડે છે. આ ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા છે.

