ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી થી નેત્રંગ જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે. થોડા સમય અગાઉ રોડની બાજુમાં આવેલ ગામના ગ્રામજનો દ્વારા ધૂળની ડમરીઓ થી પરેશાન થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું તેને પણ ખાસો એવો સમય વિતવા છતાં હજું રાજપારડી થી નેત્રંગને જોડતા મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી અને હાલમાં આ માર્ગ બિસ્માર બનતા આજુબાજુના ગામના રહેણાંક વિસ્તારમાં અને ટૂ વ્હીલર વાહનચાલકો ધૂળની ડમરીઓ ઉડતા પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.ઉલ્લેખનીય છેકે ભરૂચ સહિત ઝઘડિયા તાલુકાની આમ જનતા રાજપારડી થઇને નેત્રંગ જતા માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
Decision News ને મળેલી માહિતી મુજબ રાજપારડી નેત્રંગ રોડને અડીને આવેલ ક્વોરી અને પત્થરની ખાણોમાંથી વહન કરતા ભારદારી વાહનોના કારણે માર્ગની ખસતા હાલત બનતા ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પંથકના વાહન ચાલકો માટે માથાનો દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે. સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં ન લેવાતાં રાજપારડી થી નેત્રંગ સુધીનો માર્ગ હાલ બિસ્માર હાલતમાં હોઇ માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી. આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ આ બાબતે કંઇ બોલવા તૈયાર નથી, જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ માર્ગ પર પડેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલીરૂપ બની રહ્યા છે.
ઉપરાંત ખરાબ રસ્તા ને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ધૂળ ની ડમરીઓ ઉડતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે જે અંગે આરોગ્ય વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ ઘોર કુંભકર્ણની નિંદ્રા માં હોય એમ જણાય રહ્યું છેવળી બિસ્માર માર્ગને લઈને પસાર થતાં ભારદારી વાહનોના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે, તેમજ આને લઇને મોટા ભારદારી વાહનોની પાછળ જતા બાઈક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી થઈ જતી હોય છે. આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.











