ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં નર્મદા નદી કિનારે ક્વોરી વિસ્તારમાં તેમજ જીએમડીસીની આજુબાજુમાં આવેલા વિસ્તારોમાં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી રેતી પથ્થર તેમજ સિલિકાનું ખનન કરી તેનો બિન અધિકૃત રીતે વહન કરવામાં આવે છે, ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ગૌચરની જમીનમાંથી કેટલાક માથાભારે તત્વો દ્વારા છેલ્લા પંદર વીસ દિવસથી રાત્રિના સમયે 50 થી 60 જેટલા ડમ્પરો દ્વારા સિલિકા ખનન કરી તેનું વહન કરી રાજપારડીની આસપાસના નાના-મોટા સિલિકા પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાનું માજી ધારાસભ્ય મહેશ વસાવાના ધ્યાને આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ આ બાબતે તેઓએ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાનો સોશિયલ મીડિયા થકી ધ્યાન દોર્યું હતું તેમ છતાં જવાબદાર પ્રાંત અધિકારી તથા ભૂસ્તર વિભાગ ભરૂચ દ્વારા કોઈ પગલા નહીં ભરાતા માજી ધારાસભ્ય મહેશ વસાવાએ પ્રાંત અધિકારીના વોટ્સએપ મોબાઈલ નંબર પર આ બાબતે ગેરકાયદેસર ખનન અટકાવવા રજૂઆત કરી હતી, પરંતુ તેમના દ્વારા કોઈ પગલાં નહીં ભરવામાં આવતા આજરોજ તેઓએ જિલ્લા કલેકટરને પત્ર લખી આ બાબતે જણાવ્યું હતું.
તેઓએ ઝઘડિયા પ્રાંત અધિકારીને આ બાબતે જાણ કરેલ પરંતુ તેમના દ્વારા કોઈપણ જાતની નોંધ લીધેલ નથી તેમ જ કાર્યવાહી કરવા અંગે કોઈ પણ જાતનો સૂચન કરવામાં આવેલ નથી, જેનું કારણ હોઈ શકે કે તેઓ આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવા માંગતા નથી, જેથી ગેરકાયદેસર ખનન કરનારા ઉપર કોઈપણ જાતની કાર્યવાહી ના થાય અને તેઓ બચી શકે જેની તેમને શંકા છે આ મુજબનો મેસેજ મોકલેલ, જવાબદાર વહીવટી તંત્ર તરફથી બેદરકારીના કારણે અમે જાણ ન થતાં આપને આ પત્ર દ્વારા ગેરકાયદેસર સિલિકાનું ખનન કરનાર પણ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે, તે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરનારાઓની મીલી ભગત જવાબદાર તંત્ર સાથે હોય તેઓ સાંસદ અને માજી ધારાસભ્યની રજૂઆતને પણ ધ્યાને લેતા નથી એ ચર્ચા નો વિષય બની ગયો છે.

