ભરૂચ: વાગરા અને અંકલેશ્વરમાં કામગીરી અટકાવી હતી. નવસારીથી કચ્છ સુધી હાઇ ટેન્શન લાઇન નાખવાની કામગીરી દરમિયાન ભરૂચ જિલ્લામાં કંપનીને વિરોધનો સામનો કરવો પડી રહયો છે. વાગરા તાલુકામાં પણ અલગ અલગ ગામમાં વળતરની રકમ અલગ અલગ હોવાથી ખેડૂતોમાં રોષનો માહોલ ફેલાયેલો છે અને થોડા દિવસોમાં તેમણે કામગીરી અટકાવી હતી. આવી જ ઘટના અંકલેશ્વરમાં પણ બની ચુકી છે. પાનોલી ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રોજેકટ માટે જમીનો સંપાદિત કરવામાં આવી છે પણ પાડોશી સુરત જિલ્લાની સરખામણીએ ભરૂચના ખેડૂતોને નજીવું વળતર આપવામાં આવ્યું હોવાની માગ સાથે ખેડૂતો આંદોલન ચલાવી રહયાં છે.
Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં જિલ્લાના વિવિધ ગામડાઓમાં હાઇ ટેન્શન લાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ છે પણ વળતરને લઇ ખેડૂતોમાં રોષ માહોલ ફેલાયો છે અને તેમણે જમીનો આપવાનો ઇન્કાર કરી દીધો છે. અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી. પાનોલી ગામે ખેડૂત જીનમાં ગુજરાત ખેડૂત સમાજના અધ્યક્ષ જયેશ પટેલના પ્રમુખપદ હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક મળી હતી. હાલમાં કચ્છના ખાવડાથી નવસારી સુધીની 765 કેવીની લાઇન નાખવામાં આવી રહી છે જેમાં ખેતરોમાં ટાવરો ઉભા કરાઇ રહયાં છે. ખેડૂતોની સહમતી વિના ખેતરોમાં ઘૂસી આડેધડ રીતે ટાવરો નાખવામાં આવી રહયાં હોવાથી જગતના તાતમાં રોષ ફેલાયેલો છે.ખેડૂતોને ધાક ધમકી દાબ દબાણ થકી દબાવી દેવાની પ્રવૃત્તિથી ત્રાહિમામ ખેડૂતો હવે સંગઠિત બની રહયાં છે.
ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજ પાસે મદદ માગતા બેઠક યોજવામાં આવી હતી. જેમાં ખેડૂતોએ તેમની જમીનો નહિ આપવામાં આવે તેવી જાહેરાત કરી હતી. કોઇ પણ સરકારી પ્રોજેક્ટમાં પાડોશી સુરત જિલ્લા કરતા ભરુચ જિલ્લાના ખેડૂતોને મામુલી વળતર મળે છે અને ભારોભાર અન્યાયની પરંપરા બની ગઈ છે. ખેડૂતોએ એકમતે નિર્ણય કર્યો છે કે હવે અન્યાય અને બળજબરી સાંખી લેવાશે નહી. મહામૂલી જમીનો પર આડેધડ વીજટાવરો અને વીજ લાઈનો સ્વીકાર્ય નથી. વર્તમાન ટાવર પ્રોજેક્ટના કારણે જિલ્લાના ખેતરો હરિયાળા વૃક્ષોના બદલે ફક્ત વિજ ટાવરો અને વાયરોથી આચ્છાદિત થઈ જાય એવા તાનાશાહી આયોજનનો વિરોધ કરાયો હતો. નવી લાઈનો રદ કરવાની અને જે લાઈન ઉભી થઈ છે એમાં સુરત જિલ્લા સમકક્ષ વળતરની માંગણી કરવામાં આવી છે.

