“તક મળતી નથી હોતી, છીનવવી પડતી હોય છે” અનેક વેદના અને ભારે સંઘર્ષ પછી Ph.D. થનાર-ડો.અનિતા ખુશરામ પટેલ. મારા પપ્પાની દારૂની લત અને મમ્મીની અસ્થમાની ખર્ચાળ બીમારીના પગલે બાળપણથી મે કોઈ દિવસ સંઘર્ષ વગરનો નથી જોયો આ વાત કરતા કરતા અનિતામાંથી હાલમાં જ 13 ફેબ્રુઆરીના રોજ ડો.અનિતા ખુશરામ પટેલ બનેલ પોતાના અથાક સંઘર્ષના દિવસો યાદ કરતા ભાવુક બને છે.

ડો.અનિતા પોતાની વાત આગળ ધપાવતા કહે છે મને યાદ છે એ દિવસ જયારે મારે મારા ઘરની નબળી પરિસ્થિતિને લીધે ધોરણ 10 માંથી ઓર્કેસ્ટ્રા બેન્ડ પાર્ટીઓમાં ગાવા જવાનું ચાલુ કરવું પડ્યું.પપ્પા ખુબ સારા ગાયક હતાં પણ દારૂની લતને લીધે અને મમ્મીની અસ્થમાની બીમારીની ખર્ચાળ સારવારમાં ઘરનું બધું પુરુ થઇ ગયેલું.ખુબ જ મહેણાંટોણા સાંભળવા પડ્યા છે અમારે બંને બહેનોએ. અમને નજીકનાં લોકો પાસે અપમાન સિવાય ક્યારેય કોઈ મદદ નથી મળી.મમ્મીની એક સમયે તબિયત ખુબ જ ખરાબ હતી ત્યારે કેટલાંક લોકોએ એવું કહેલું કે રાત્રે કંઈ થઈ જાય તો ઉઠાડીને ખોટી ઊંઘ નહીં બગાડતી.સવારે જ જાણ કરજે. શાળા કોલેજમાં ગાયક કલાકાર બનીને ઘરના બે છેડા જોડવાની કોશિષ કરતી હતી.એકવાર એમ.એ.ની બીલીમોરા ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ ચાલતી હતી અને બસમાં બેસી ગયા પછી રસ્તામાં પપ્પાને દારૂ પીને પડેલા ઈજાગ્રસ્ત હાલતમાં જોયા. આથી પપ્પાની સારવાર કરાવી ઘરે મૂકી આવી એક કલાક મોડી પહોંચી,મનમાં હતું કે કદાચ પરીક્ષા નહીં જ આપવા મળે પરંતુ નિરીક્ષક ભલા હતાં એટલે તકલીફ સાંભળીને સહાનુભૂતિ દાખવી પરીક્ષા આપવાની મંજૂરી આપી.ગાવાવાળી શબ્દ અપમાનના ઘરેણાં તરીકે મળી ગયેલો.ત્યારબાદ પણ નજીકનાં લોકો કાયમ હસતાં કે ગાવાવાળી તું ભણીને શું કરવાની એના કરતા પરણી જા તો તને સાસરે થોડુંક ઘણું કંઈ મળી રહેશે.

જયારે ગાવાના ઓર્ડર નહીં મળતા ત્યારે ઘરના ખર્ચ પહોંચી વળવા આસપાસમાં કચરાપોતા કરવા પણ જવું પડ્યું છે.મારા પપ્પાનું 2019 માં મૃત્યુ થયું ત્યારે રૂઢિચુસ્ત વિચારોવાળા કેટલાક સગાઓના વિરોધને અવગણીને એમને મુખાગ્નિ અમે બહેનો જ આપી હતી.તે જ વર્ષે ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં “A STUDY OF ADJUSTMENT AND EMOTIONAL REGULATION OF STUDENTS STUDYING IN SECONDARY SCHOOLS” વિષય પર 2019 માં Ph.D. માટે મે એપ્લાય કર્યું અને અમારા સાહેબ ભારે સિદ્ધાંતવાદી એટલે કોપી મટીરીયલ સહેજ પણ ચલાવે ની.એકબાજુ નબળી પરિસ્થિતિ અને બીજીબાજુ બધું પોતાની રીતે જ નવું જ કરવાનું એટલે ખુબ જ તકલીફ પડતી.મારી થીસીસ માટે મે અત્યારસુધીમાં 40000 કરતા વધારે પાના ક્ષેરોક્ષ કરાવી ચુકી છું.

છેલ્લે મારા વાઇવા ચાલુ થવાના થોડા દિવસો બાકી હતાં ત્યારે સાહેબને વિનંતી કરી કે સાહેબ આર્થિક તંગી પડી રહી છે તો મને થોડાક દિવસની રજા આપો તો હું સિંગિંગ કરીને થોડુંક કંઈક કમાઈશ તો હું એક્ષામના ખર્ચા ઉઠાવી શકીશ તો સાહેબે પણ રજા આપી દીધી.કપરી પરિસ્થિતિમાં ખેરગામ વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડો.સંજયભાઈ પટેલે એક વાલી તરીકે જવાબદારી લઇ વાંચવા માટેની તમામ સામગ્રી ઉપલબ્ધ કરાવી આપેલ હતી.પરિવારની જવાબદારીઓ ઉઠાવતા ઉઠાવતા લગ્ન પણ નથી કર્યા કારણકે મમ્મીની હંમેશા ચિંતા લાગેલી રહેતી હતી.

પરંતુ આજે એનો કોઈ અફસોસ નથી કારણકે મમ્મીના ચહેરા પર ખુશીઓ જોઉં છું તો એના ચહેરાની ખુશીઓ સામે બધું ફીકુ પડી જાય છે.આવા તો કંઈ કેટલાય કિસ્સાઓ છે જેની કડવી યાદો રડાવી જાય છે પરંતુ હવે આ સંઘર્ષોને મે મારી જિંદગીનો હિસ્સો બનાવી દીધો છે.મે ડાંગના આંતરિયાળ વિસ્તારમાં અને વ્યારામાં પણ શિક્ષક તરીકે નોકરી કરી છે.હાલમાં હું કવાંટમાં રેસીડેન્સીયલ શાળામાં હિન્દી શિક્ષક તરીકે નોકરી કરું છું. ભલે હું અનેક સંઘર્ષમાંથી પસાર થઈ ચુકી છું પરંતુ કોઈને મારી મદદની જરૂર હશે ત્યારે હું મારાથી બનતી મદદો કરતી રહીશ.આજે હું લગ્નગીતો,શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સહિત અનેક સંગીત કાર્યક્રમો મારા એકલીના દમ પર કરવા સક્ષમ છું.

સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે ડો.અનિતા પટેલનુ પરંપરાગત આદિવાસી ફેંટા,ટ્રોફી વગેરેથી સન્માન કરતા મીડિયાને જણાવ્યું હતું કે શહેરોના મોટાl ઘરના બાળકો જયારે કોઈ ઉચ્ચ સિદ્ધિઓ મેળવે છે ત્યારે અનેક લોકો તેઓના ગુણગાન ગાતા હોય છે પરંતુ ખરું સન્માન તો આવા ખુબ જ તકલીફમાંથી પ્રગતિ કરેલ ગરીબ લોકોનુ કરવું જોઈએ જેથી એમને જોઈને કંઈ કેટલાય લોકો પ્રગતિ કરે.અમારે જનસંપર્કનુ કામ રહેતું હોય સારા ઘરના અનેક યુવાનોને ઘરની સંપૂર્ણ સદ્ધર પરિસ્થિતિ હોવા છતાં મારા માં-બાપે મને અન્યાય કર્યો,ફોન નથી લઇ આપતાં,ગાડી નથી લઇ આપતાં એમ કરીને ઝગડા કરતા જોયા છે એવા લોકો આ ડો.અનિતાની જિંદગીમાંથી કંઈ શીખશે એવી અભ્યર્થના.