નવસારી: નવસારીના બીલીમોરા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. દેવધા ગામ પાસે આવેલી અંબિકા નદીમાં નાહવા પડેલા 16 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મૃતક આદિલ હુસેન મોહમ્મદ અંસારી ઉત્તર પ્રદેશથી થોડા દિવસો પહેલા જ તેના ભાઈ પાસે નવસારી આવ્યો હતો.
DECISION NEWS ને મળેલી માહિતી પ્રમાણે ગઈકાલે બપોરે 3 વાગ્યે આદિલ દેવધા ડેમ પાસે અંબિકા નદીમાં નાહવા પડયો હતો, જ્યાં તે અચાનક ડૂબવા લાગ્યો. તેના ભાઈ મોહમ્મદ અલીમુદ્દીન અંસારી જે નદી કિનારે રેતીની લીઝમાં કામ કરે છે, તેમણે અને અન્ય કર્મચારીઓએ કિશોરને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં.
ઘટનાની જાણ થતાં બીલીમોરા પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. લગભગ પાંચ કલાકની સતત શોધખોળ બાદ સાંજે 8:30 વાગ્યે કિશોરનો મૃતદેહ નદી કિનારેથી મળી આવ્યો. બીલીમોરા પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.