ભારત: દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે અનામત વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. દેશની સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે મેડિકલ કોલેજોમાં અનુસ્નાતક (PG) અભ્યાસક્રમોમાં ડોમિસાઇલના આધારે અનામતનો લાભ મળશે નહીં. કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવ્યું છે.

કોર્ટે તેને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન ગણાવ્યું અને કહ્યું કે તેનો અમલ કરી શકાતો નથી. કોર્ટની ત્રણ જજોની બેન્ચમાં જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ એસવીએન ભટ્ટીનો સમાવેશ થતો હતો. બેન્ચે કહ્યું, “આપણે બધા ભારતના રહેવાસી છીએ. અહીં રાજ્ય કે પ્રાંતીય નિવાસસ્થાન જેવી કોઈ વસ્તુ નથી. ફક્ત એક જ નિવાસસ્થાન છે. એટલે કે, આપણે બધા ભારતના રહેવાસી છીએ.

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ બૅન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ 19 હેઠળ, દરેક નાગરિકને ભારતના કોઈપણ ભાગમાં રહેવાનો, વ્યવસાય કરવાનો અને વ્યાવસાયિક કાર્ય કરવાનો અધિકાર છે. આ અધિકાર શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશના સંદર્ભમાં પણ લાગુ પડે છે અને કોઈપણ નિવાસ-આધારિત પ્રતિબંધ પીજી સ્તરે આ મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અંડરગ્રેજ્યુએટ (MBBS) પ્રવેશમાં ડોમિસાઇલ-આધારિત અનામતની અમુક હદ માન્ય હોઈ શકે છે, પરંતુ તે પીજી મેડિકલ અભ્યાસક્રમોમાં લાગુ કરી શકાતી નથી. કોર્ટે કહ્યું કે પીજી કોર્ષમાં કુશળતા અને કૌશલ્ય મહત્વપૂર્ણ છે. ન્યાયાધીશ ધુલિયાએ ચુકાદો આપતાં અવલોકન કર્યું, “પીજી મેડિકલ અભ્યાસક્રમોમાં નિષ્ણાત ડોકટરોની જરૂરિયાત વધુ હોવાથી, રહેઠાણ આધારિત અનામત બંધારણની કલમ 14નું ઉચ્ચ સ્તરે ઉલ્લંઘન કરશે.”

આ નિર્ણયમાં, કોર્ટે એવા વિધાર્થીઓને રાહત આપી છે જેઓ હાલમાં ડોમિસાઇલ આધારિત અનામત હેઠળ પીજી મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે છે અથવા જેમણે પોતાનું પીજી મેડિકલ શિક્ષણ પૂર્ણ કરી લીધું છે. “આ નિર્ણય ભવિષ્યના પ્રવેશ પર અસર કરશે પરંતુ જે વિધાર્થીઓ હાલમાં પીજી અભ્યાસક્રમો કરી રહ્યા છે અથવા જેમણે તે પૂર્ણ કરી લીધા છે તેમને અસર થશે નહીં,” બેન્ચે જણાવ્યું.આ મામલો 2019 માં ડૉ. તન્વી બહેલ વિરુદ્ધ શ્રેય ગોયલ અને અન્યોના સંદર્ભમાં સામે આવ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણય સામે અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટ એક નિર્ણયમાં, પીજી મેડિકલ પ્રવેશમાં ડોમિસાઇલ અનામતને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું હતું. આ ગંભીર બાબત ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે તેને મોટી બેન્ચમાં મોકલવાનો નિર્ણય લીધો હતો. હવે ત્રણ ન્યાયાધીશોની બેન્ચે આ મામલે અંતિમ નિર્ણય આપ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here