પારડી: લગ્નની મોસમ ચાલુ થઈ છે ત્યારે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં ગતરોજ 24 વર્ષની યુવતીએ લગ્નના થોડા દિવસો પહેલા જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા યુવતીના પરિવાર લગ્નની ખુશીની જગ્યા પર મોતનો માહોલ સર્જાયો હતો.
Decision News ને મળતી માહિતી મુજબ પારડી તાલુકાના ઉમરસાડી ગામે માછીવાડ ખાતે સાગર સ્ટ્રીટમાં રહેતા પરસોત્તમભાઈ લલ્લુભાઈ ટંડેલ પરિવારમાં લગ્નની ખુશીઓ હાલ તો માતમમાં ફેરવાઈ ગઈ છે. તેમની 24 વર્ષીય દીકરી જીનલબેન પરસોત્તમભાઈ ટંડેલના આગામી 31 જાન્યુઆરીએ લગ્ન થવાના હતા. પરિવારમાં ખુશીનો માહોલ સાથે લગ્નની તૈયારીઓમાં હતા ત્યારે લગ્નના પૂર્વે રવિવારના રોજ જીનલે પોતાના બેડ રૂમમાં છતના એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પરિવારે જીનલને આપઘાત ખાધેલી હાલતમાં જોતા તાત્કાલિક નીચે ઉતારી તેને સારવાર માટે પારડી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ફરજ પરના તબીબે જીનલને મૃત જાહેર કરી હતી. આપઘાતની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાવવામાં આવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. લગ્ન પૂર્વે જીનલે જીવન ટૂંકાવવાનો નિર્ણય કેમ લીધો તે હજુ સુધી બહાર આવ્યું નથી.

