પત્રકાર પ્રશાંત દયાળના પત્ની શિવાનીબેન પ્રશાંત દયાળ વિશે શું માનતા હતા, તે ઉર્વીશ કોઠારીએ, સાર્થક જલસો-2, પેજ 54-55 પર લખ્યું છે..

અમારાં લગ્નને અઢાર-ઓગણીસ વર્ષ થયાં. 1996માં લગ્ન થયા હતા. હું પરણી ત્યારે એ પત્રકાર છે એ ખબર હતી, પણ પત્રકાર એટલે શું એ ખબર ન હતી. નવી પરણીને આવી ત્યારે એ આખો દિવસ- આખી રાત ઘરની બહાર રહે. હું સવાર સુધી રાહ જોઇને બાલ્કનીમાં ઊભી રહું. મને એ વખતે એવું કે આ પત્રકારની ખરેખર આવી નોકરી હશે? આવી કેવી નોકરી? પ્રશાંતે મને કહ્યું હતું કે ‘પોલીસની અને પત્રકારની નોકરી સરખી.’ મારા પપ્પા પોલીસમાં હતા ને મારો ભાઈ પણ પોલીસમાં. મારી મમ્મી અને મારાં ભાભી પણ આવી રીતે રાહ જોતાં હતાં.

એકબીજાને જોવા માટે, અમે પહેલી વાર મળ્યાં ત્યારે એમની લગ્ન કરવાની ઇચ્છા ન હતી. એમણે મને કહ્યું કે ‘હું દારુ પીઉં છું, ચરસ પીઉં છું, ગાંજો પીઉં છું, નોનવેજ ખાઉં છું, મને ફરવા જવું ગમતું નથી અને મને રજા લેવી ગમતી નથી. બોલ, તારે લગ્ન કરવું છે?’ હું ના પાડું એટલે એમણે આવું કહ્યું, પણ મને લાગ્યું કે આ માણસ આવું બોલે છે તો કંઈક તો હોવું જોઇએ. લગ્નના છ મહિના પછી કેટલાક મુદ્દે ઝઘડા શરૂ થયા ત્યારે એ કહેતા, ‘મેં તો તને આ બધું પહેલેથી જ કહ્યું હતું.’ ઝઘડો થાય ત્યારે એ કહે, ‘તારી ને મારી ભલમનસાઈ એમાં છે કે તું મને ના બદલીશ, હું તને નહીં બદલું. હું જેવો છું એવો જ મને રહેવા દે.’

પણ (તેર વર્ષની દીકરી) પ્રાર્થનાના જન્મ પછી મારી તબિયત બહુ બગડી. ત્યારથી એ જવાબદારી લેવા માંડ્યા. જાતે શાકભાજી લાવતા અને ઘરનું કામ કરતા થયા. રસોઈ પહેલાંથી એમને આવડતી જ હતી, પણ હવે એ કામ કાયમી થઇ ગયું છે. રસોઈવાળાં બહેન છે, છતાં પ્રશાંત રસોઈ બનાવે અને એવું થયું છે કે છોકરાઓને મારા હાથનું નથી ભાવતું- ‘પપ્પા જ બનાવશે’ એવું કહે છે. એમની સ્પેશ્યલ આઇટમ બધી જ સારી થાય છે, પણ શીરો વધારે સારો બનાવે છે. તમે સત્યનારાયણનો પ્રસાદ ખાતા હો એવો જ…માથુરનો (રાજદ્રોહવાળો) કેસ થયો ત્યારથી મને ખ્યાલ આવવા માંડ્યો કે પત્રકાર તરીકે એ કંઈ મોટું કામ કરે છે. એ વખતે બ્લોકવાળા બધા કહેતા હતા કે ‘તારા ઘરે પોલીસ આવે છે, તો તને બીક નથી લાગતી?’ પણ ઘરમાં પપ્પા પોલીસ હતા, ભાઇ પોલીસ છે. મને પોલીસનો કોઇ ડર નથી. (કારણ કે) એમણે કંઈ ખોટું નથી કર્યું. એક પત્રકાર તરીકે એમનામાં જે હિંમત છે, એટલે મને એવું છે કે એ ખૂબ ઊંચાઈએ જાય- રૂપિયાની રીતે નહીં, નામની રીતે.

મને કોઈ દિવસ એવો ડર નથી લાગતો કે એમને પોલીસ પકડી જશે કે જેલમાં લઇ જશે… અમિત શાહ એક-બે વાર એમને સમજાવવા માટે ઘરે આવી ગયા હતા. બીજા લોકો પણ એમને સમજાવવા માટે કહેતા હોય છે, પણ મને કોઈ દિવસ એવી બીક નથી લાગી કે આમને કોઈ મારશે કે ખૂન કરી નાખશે… ‘સંદેશ’ની સ્ટોરી વખતે એમને પોલીસરક્ષણ મળ્યું હતું. એ વખતે એ બહાર જવાની વાત કરે તો હું એમને કહેતી હતી કે ‘તમે નક્કી કરો : ‘પોલીસની સાથે બહાર જવું છે કે મારી સાથે. આટલું લખો છો તો બીઓ છો શું કામ? પોલીસ સાથે રાખવી હોય તો આપણે લખવું નહીં.’મને એમના પર પૂરો વિશ્વાસ છે કે આ માણસમાં આટલી હિંમત છે તો એ કંઈ પણ કરી શકે. હું મારા દીકરાને એ જ સમજાવું કે તારા પપ્પામાં જેવી હિંમત છે, એવી જ હિંમત મારે તારામાં જોઈએ છે.