મિઝોરમ: જો તમે રસ્તાના માર્ગે મિઝોરમ જશો તો તમને હાઈવે પર ઘણી દુકાનો જોવા મળશે, જ્યાં કોઈ સામાનના બદલામાં પૈસા લેતું જોવા નહીં મળે. તેમજ આ દુકાનોમાં ગ્રાહકો પર નજર રાખવા માટે CCTV કેમેરા પણ નથી. તેમ છતાં શાકભાજી, ફળ, જ્યુસ અને કરિયાણાની આ દુકાનો છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે. વિશ્વાસ પર ચાલતી આ દુકાનો ગામના ખેડૂતો દ્વારા ઉભી કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ ખેડૂતો રોજ સવારે ખેતરોમાંથી તાજા શાકભાજી, ફૂલો, ફ્રૂટ જ્યુસ, તાજું પાણી, સૂકી નાની માછલીઓ અને જરૂરિયાતનો બીજો સામાન એકઠો કરીને દુકાનો પર રાખે છે. આ દુકાનોને મિઝોરમની સ્થાનિક ભાષામાં ‘નઘાહ લોઉ ડાવર’ કહેવામાં આવે છે, જેનો અર્થ છે દુકાનદાર વગરની દુકાનો. આ દુકાનોમાં સામાનની રેટલિસ્ટ લાગેલી હોય છે. સામાન લીધા પછી ગ્રાહકે દુકાનમાં જ રાખેલા બોક્સમાં કિંમતના પૈસા નાખવાના હોય છે.

વાંસની લાકડીઓથી બનેલી આ સાધારણ દુકાનો પર પવીશા બોન એટલે કે પૈસા રાખવાનો ડબ્બો અથવા બોક્સ હોય છે. ગ્રાહકની સગવડ માટે ગલ્લામાં છૂટા પૈસા પણ રાખવામાં આવે છે. રોજ સાંજે ખેતરમાંથી પાછા ફરતી વખતે ખેડૂત વધેલો સામાન છોડીને પૈસા કાઢી લે છે! જો તમારા રાજ્યમાં પણ દુકાનદાર વગરની આ દુકાનો ખુલી જાય તો?