ગરૂડેશ્વર (નર્મદા): વિશ્વમાં પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માત્ર 7 કિમીના અંતરે આવેલ નર્મદા જિલ્લાના નાના પીપળીયા ગામમાં છેલ્લા ચાર વર્ષથી આંગણવાડી માટે નવું મકાન બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે. આ આંગણવાડી હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે, અને વહીવટી તંત્રના આદર્શ વિકાસના દાવાઓ છતાં, આ સમસ્યા અંગે કોઈ ઉકેલ આવ્યો નથી.

વિશેષ કરીને, નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ માટે વિશેષ પગલાં લેવાના દાવાઓ કરવામાં આવે છે. પરંતુ નાના પીપળીયા જેવી આદિવાસી વસતીવાળા ગામોમાં આંગણવાડીના અભાવે બાળકોને પાયાનું શિક્ષણ ભાડાના મકાનમાં આપવું પડતું હોય છે. ભાડાના મકાનમાં પૂરતી જગ્યા અને સગવડનો અભાવ હોવાથી બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર નકારાત્મક અસર થઈ રહી છે. જેથી સવાલ થાય છે.

1 સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી વારંવાર સરકાર દ્વારા મોટા મોટા વિકાસના દાવાઓ વચ્ચે, માત્ર 7 કિમી અંતરે આંગણવાડી માટે નવું મકાન નિર્માણ કરવામાં શા માટે વિલંબ ?

2 શું આ છે ગુજરાત મોડેલ, જ્યાં બાળકોના શિક્ષણ માટે તાકીદની જરૂરિયાતો પૂરી ન થાય ?

3 આદિવાસી બાળકો માટે બે રૂમનું મકાન બનાવવું શક્ય કેમ નથી ?

નાના પીપળીયા ગામના આગેવાન વિજયભાઈ તડવીએ Decision Newsને જણાવ્યું હતું, કે અમારા ગામની આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં છે, નવી આંગણવાડી બાબતે છેલ્લા ચાર વર્ષથી ગરૂડેશ્વર TDO સાહેબને રજૂઆત કરીએ છીએ TDO ની બદલી થઈ જ્યાં પણ અમારી માંગણીઓ પૂર્ણ થઈ નથી છે, અનેક વાર રજૂઆત કરવા છતાં સરકારી વહીવટી તંત્ર ધ્યાનમાં લેતું નથી જેના કારણે હાલ છેલ્લા ચાર વર્ષથી ભાડાના મકાનમાં બાળકો ભણે છે, અમારી માંગ છે, કે સરકાર તાત્કાલિક આંગણવાડીનાં નવા મકાન માટે ગ્રાન્ટ ફાળવી મકાનના નિર્માણ માટે પ્રાથમિકતા આપવાની વિનંતી કરીએ છે.