વાંસદા: ગતરાત્રીએ વાંસદા તાલુકામાં આવેલાં મોટી વાલઝર ગામે મૂકવામાં આવેલા પાંજરામાં એક દીપડો પાંજરે પુરાયો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં હાશકારો થયો છે, વન વિભાગએ બે દીપડા પકડી રેસ્ક્યુ સેન્ટર મોકલવામાં આવ્યા છે. અને એક મૃતક દીપડી મળી આવતા તેને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકો દીપડાઓનું ઘર બની ગયું હોય તેમ અવારનવાર ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક મકાનો પાસે દેખાય છે, સાથે જ હુમલાની ઘટના પણ બની છે મોટી વાલઝર તેમજ ઉપસળ ગામે બે બાળકીઓ ઉપર હુમલો કરનાર દીપડાને પકડી પાડવા માટે 20 જેટલા પાંજરા વન વિભાગ દ્વારા મુકવામાં આવ્યા હતા જે પૈકી એક દીપડી અને ગત રાત્રે દીપડો પાંજરે પુરાયો છે. જેને રેસક્યું સેન્ટર ખાતે ખસેડી જંગલમાં છોડી મૂકવામાં આવશે.

વાંસદા તાલુકાના સિંગાડ ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદભાઈ ઠાકોરભાઈ પટેલ પર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો. જેમને સારવાર માટે વાંસદાની શ્રી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. વાંસદા પથંકમાં 3 દિવસ અગાઉ દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ફરીવાર હુમલાની ઘટના બનતા લોકોએ ભયના ઓથાર હેઠળ લાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં થયેલ હુમલા બાળકીઓ પર થયા હતા જ્યારે આ વખતે પુખ્તવયના વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કર્યો છે. તેથી લોકોએ ચેતીને રહેવાની જરૂર ઊભી થઈ છે.