ગાંધીનગર: ગુજરાતના વિધાનસભાના ત્રણ દિવસીય સત્રના અંતિમ દિવસે ભારે હોબાળો થયો હતો. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જસદણમાં બાળકી પર થયેલા બળાત્કારની વાત કરતા જ હોબાળો થયો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વેલમાં આવી ગયા હતા. બંને પક્ષના ધારાસભ્યો, મંત્રીઓ પર પોતાની જગ્યા પર ઉભા થઈ ગયા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ધારાસભ્ય જીતુ વાઘાણીએ જીગ્નેશ મેવાણી પર આરોપ લગાવ્યા કે જીગ્નેશ મેવાણી મારામારી કરવા આવ્યા હોય તેવું વર્તન કર્યું છે. આ ઘટના ક્રમમાં કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. કોંગ્રેસના નેતાઓએ જીગ્નેશ મેવાણીને રોક્યા નહીં. જીગ્નેશ મેવાણીએ ગૃહના અધ્યક્ષનું અપમાન કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું કે તેઓ બંધારણનું અપમાન કરી રહ્યા છે. કાયદાનું પાલન નથી કરી રહ્યા. આ પછી જીગ્નેશ મેવાણીને ગૃહની બહાર કાઢી દેવામાં આવ્યા. વિધાનસભામાંથી બહાર આવ્યા પછી જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, થોડા દિવસ પહેલા રાજકોટ ગેમ જોનમાં નિર્દોષ લોકો હોમાયા હતા. તેમના પરિવારના સભ્યોએ રજૂઆત કરી હતી. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવેની રજૂઆત કરી હતી. જસદણની દીકરી પર બળાત્કાર અંગે ચર્ચા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ મંત્રી કેમ પીડિતોની વેદના સંભાળવા માંગતા નથી. આ સમગ્ર મામલે પણ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને તેનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઈએ એ માંગ હતી.
ત્યારે જીગ્નેશ મેવાણીના વલણ પર ધારાસભ્ય રમણલાલ વોરાએ કહ્યું કે જીગ્નેશ મેવાણી સદનમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા આવી પ્રવૃત્તિ કરે છે. જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસને સ્નાન સૂતકનો સંબંધ નથી. જીગ્નેશ મેવાણી ગૃહમાં અને બહાર મીડિયાનું ધ્યાન દોરવા રાજકારણ કરે છે. તેમણે જીગ્નેશ મેવાણી પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો.