‘‘વર્ષ 2047માં ભારત પોતાની આઝાદીના 100 વર્ષ પૂરા કરશે અને તેથી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિકસિત ભારત @2047’’નું પ્રેરણાત્મક વિઝન આપ્યું છે. વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત તેના મજબૂત આર્થિક પાયાના આધારે વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવી દેશના વિકાસમાં યોગદાન આપવા માંગે છે. જ્યારે સમગ્ર ભારતને આવનાર વર્ષમાં 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. ગુજરાત જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સામાન્ય સુવિધાઓ અને સ્કિલ સેન્ટર સાથે સ્માર્ટ પ્લગ એન્ડ પ્લે પાર્ક સ્થાપિત કરી રહ્યું છે. જેમાં પીએમ મિત્ર પાર્ક- નવસારી, સી-ફૂડ પાર્ક- વલસાડ, બલ્ક ડ્રગ પાર્ક-ભરૂચ, મેડિકલ ડિવાઈસ પાર્ક અને ઓટોમોબાઈલ હબ- રાજકોટ, એગ્રો પાર્ક – રાજકોટ, બનાસકાંઠા અને સીરામીક પાર્ક – મોરબીમાં બનશે. જેના થકી ગુજરાતની આ વણથંભી વિકાસ યાત્રામાં છેવાડાનું કોઈ પણ નાગરિક વિકાસથી વંચિત ન રહે તેવી નેમ છે.’’ એમ રાજ્ય
કક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ અને નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)એ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં કુમાર શાળાના મેદાન પર જિલ્લા કક્ષાની હર્ષોલ્લાસભેર ઉજવણી વેળા દેશની આન,બાન અને શાન સમા તિરંગાને સલામી આપી તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાભેર ઉજવણી પ્રસંગે મંત્રીશ્રીએ 78મા સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી આજે પતેતીનું પણ પર્વ હોવાથી સ્વતંતત્રતા સંગ્રામમાં પારસી સમાજના મેડમ ભિખાજી કામાએ વિદેશની ધરતી પર તિરંગો ડિઝાઈન કરીને ફરકાવ્યો હતો તેમનું પણ સ્મરણ કર્યુ હતું. દેશની આઝાદીમાં પોતાનું બલિદાન આપનાર પરાક્રમી સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાન નેતાઓના સંઘર્ષને સ્મરણાંજલી આપી મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રનિર્માણમાં જન-જનને “આઝાદી કા અમૃત મહોત્સવ”, મેરી મીટ્ટી મેરા દેશ અને “હર ઘર તિરંગા” જેવા અભિયાનોથી જોડી “નેશન ફર્સ્ટ"ની ભાવના જન-જનમાં પ્રબળ બનાવી છે. દેશમાં આજે છેલ્લા 10 વર્ષોમાં ગરીબો માટે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ બેંકમાં ખાતાઓ ખૂલી રહ્યા છે. દેશમાંથી ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. આજે સૌથી ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્ર તરીકે ભારત વિશ્વનું આર્થિક કેન્દ્ર પણ બની રહ્યું છે અને આપણો દેશ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા સાથે ‘વિશ્વ મિત્ર’ ની ભૂમિકા પણ નિભાવી રહ્યો છે. ડિજિટલ ઈન્ડિયાથી વિકસિત ભારતની સફર અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત આજે ‘ડિજિટલ ઇન્ડિયા’ દ્વારા ડિજિટલ ટેક્નોલોજીમાં વર્લ્ડ લીડર બન્યું છે. ભારતમાં વિશ્વની સૌથી મોટી યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમ લાગુ છે, જે ફક્ત એક ક્લિકમાં લાખો રૂપિયાના
વ્યવહારો કરવામાં સક્ષમ છે. યુવાઓના સાર્મ્થય અંગે મંત્રીશ્રીએ કહ્યુ કે, વડાપ્રધાનશ્રીએ હંમેશા યુવા કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો છે.
રાજ્યના યુવાનો રોજગારવાંચ્છુઓ નહિ પણ રોજગાર દાતા બને તે માટે રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકો-સિસ્ટમ વિકસાવી છે. કેન્દ્ર સરકારનારાષ્ટ્રીય સ્ટાર્ટઅપ રેંકિંગ ફ્રેમવર્કમાં ગુજરાત સતત ‘બેસ્ટ પર્ફોર્મર સ્ટેટ’ બન્યું છે. MSME ક્ષેત્રે ગુજરાતમાં 19 લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલા છે. ભારતમાં ઉદ્યમ પોર્ટલ પર રજિસ્ટ્રેશમાં ગુજરાત ચોથું સ્થાન ધરાવે છે. ગુજરાતનું MSME સેક્ટર 80 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે.આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત વાઈબ્રન્ટ અને સેમીકન્ડક્ટરનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત આજે ‘ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકંડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ’ તરીકે સ્થાપિત થઈ રહ્યું છે અને આ ક્ષેત્રમાં રૂ. ૧ લાખ કરોડથી વધુનું રોકાણ થયું છે. ભારતની પહેલી સેમિકન્ડક્ટર ચીપનું નિર્માણ ગુજરાતમાં થવા જઇ રહ્યું છે. રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત કરવા માટે ગુજરાત સરકારે નાસકોમ અને માઇક્રોસોફ્ટ સાથે એમઓયુ પણ સાઇન કર્યા છે. શિક્ષણની સ્થિતિ અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત વિદ્યાર્થિની દીઠ ₹ 50,000ની આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવે છે. વિજ્ઞાન સંબંધિત વિષયોમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ નામાંકન માટે પ્રોત્સાહિત થાય તેવા ઉદ્દેશથી ‘નમો સરસ્વતી યોજના’ લાગુ કરવામાં આવી છે. જે હેઠળ વિદ્યાર્થી દીઠ ₹25,000 ની સહાયતા પ્રદાન કરી છે. મુખ્યમંત્રી કૌશલ્ય વિકાસ પહેલ (MSDI) રાજ્ય સરકારના મોટાભાગના પ્રયાસોને એકીકૃત કરે છે અને વાર્ષિક ૫ લાખથી વધુ ઉમેદવારોને તાલીમ આપે છે. આગામી વર્ષે આ સંખ્યા 10 લાખ સુધી પહોંચવાની સંભાવના છે. આદિવાસી સમાજનું કલ્યાણ માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, આદિજાતિ વિસ્તારોને અન્ય વિસ્તારો જેવા જ વિકસિત બનાવવા ૨૦૦૭માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. રાજ્યના આદિજાતિ સમુદાયોને આજીવિકા, આવાસ, આર્થિક ઉન્નતિ, શિક્ષણ અને માળખાકીય સુવિધા આપવા 1 લાખ કરોડની ફાળવણીથી વનબંધુ કલ્યાણ યોજના અમલી બની હતી. આ યોજનાની સફળતાને પગલે વનબંધુ કલ્યાણ યોજના- 2, 2021 થી 2026 સુધી આપણે વધુ 1 લાખ કરોડની જોગવાઈ સાથે શરૂ કરી છે. આવનારા વર્ષમાં આ માટે 30 હજાર કરોડથી વધુનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી મોરારજી દેસાઈની ધન્ય ધરાને યાદ કરી મંત્રીશ્રીએ વલસાડ વિશે કહ્યું કે, આ વલસાડની ભૂમિ વિકાસ સાથે દેશની આઝાદીની જંગ માટે પણ જાણીતી છે. જેમાં દક્ષિણ ગુજરાત બાગાયતનો બગીચો ગણાય છે. હાફૂસ કેરી વિશ્વ વિખ્યાત છે.
રાજ્યના આર્થિક વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરતી વાપીની ઉદ્યોગનગરી પણ સમગ્ર એશિયા ખંડમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવે છે. ધરમપુર વિલ્સન હિલ પર મોન્સુન ફેસ્ટિવલમાં આદિવાસી પરંપરા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શન, મેળો અને જંગલ ટ્રેકિંગ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે. વિલ્સન હિલ ખાતે પ્રવાસનને વધુ વેગ આપવા માટે વિલ્સન હિલ ટેન્ટ સિટી અને એડવેન્ચર નામથી વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી શરૂઆત થઈ છે. એનર્જી ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું કે, રાજ્યના તમામ જિલ્લામાં એક ગામ સોલાર રૂફટોપ સિસ્ટમના માધ્યમથી સો ટકા ઊર્જાથી સંચાલિત થાય, તે સુનિશ્વિત કરવા માટે ગુજરાતના દરેક જિલ્લામાં ત્રણ ગામડાઓની ઓળખ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪દરમિયાન રાજ્યના 10 લાખ ઘરોને સોલાર રૂફટોપ અંતર્ગત કવર કરવાનું લક્ષ્ય છે. સ્વાસ્થ્ય સેવા અંગે મંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાને દેશભરમાં લાગુ કરી છે. આ યોજના હેઠળ રાજ્યના ગરીબ-મધ્યમવર્ગના ૨.૫૯ કરોડ આયુષ્માન કાર્ડ ધારકોને લાભ મળી રહ્યો છે. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્ષ ૨૦૨૩- ૨૪ માં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે દેશના તમામ રાજ્યોમાં ગુજરાત સતત બીજી વાર પ્રથમ ક્રમે આવ્યું છે.
આવાસ અંગે જણાવ્યું કે, આવનારા વર્ષોમાં તમામ લોકો માટે ગુણવત્તાપૂર્ણ આવાસ પ્રદાન કરવા માટે 100 ઝૂંપડા મુક્ત શહેર બનાવવા માટે સમર્પિત છીએ. ગુજરાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 8.6 લાખથી વધુ આવાસ એકમોને પૂર્ણ કરીને ઉલ્લેખનીય ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો- યોજનાઓ અમલમાં આવી છે. જૈવિક અને પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. રાજ્યમાં 9 લાખ ખેડૂતો 7 લાખ એકરથી વધુની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ઓર્ગેનિક પ્રોડકટનું માર્કેટીંગ અમૂલ બ્રાન્ડથી કરવામાં આવે છે.
સહકાર થી સમૃધ્ધિ સુધીના સૂત્રને યાદ કરી મંત્રીશ્રીએ જણાવ્યું કે, દેશના સહકારી માળખાને પારદર્શક અને સશક્ત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 6 જુલાઈ 2021ના રોજ અલગથી જ કેન્દ્રીય સહકારિતા મંત્રાલય બનાવ્યું શ્રી અમિતભાઈ શાહને દેશના પ્રથમ સહકારિતા મંત્રી બનાવ્યા હતા. શ્રી અમિતભાઈએ સહકારી માળખાને મજબૂત અને પારદર્શી બનાવવા ૫૪ જેટલા ઈનિશિએટિવ્સ લીધા છે. સહકારી મંત્રાલય બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાંડ મિલોને એક જ વારમાં રૂ. 15,000 કરોડની કર જવાબદારીમાંથી રાહત આપી જે લગભગ 20 વર્ષથી પેન્ડિંગ હતી. ખાંડ મિલોને ઉદ્યોગોની સમકક્ષ લાવવામાં આવી છે. ખાંડ ઉદ્યોગમાંથી ઇથેનોલની પ્રાપ્તિ 38 કરોડ લિટર હતી, જે આજે વધીને 370 કરોડ લિટર થઈ છે.
પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે નોંધનીય સફળતા હાંસલ કરી હોવાનું જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા ૨૦૧૦ માં ૧૯૨ લાખથી વધીને ૨૦૨૩માં 1727 લાખ થઈ છે, જે પાછલા દાયકાની સરખામણીમાં નવ ગણી વધારે છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીની 1 કરોડ 80 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. કચ્છના રણોત્સવને યાદ કરી વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં ધોરડોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવી કહ્યું કે, આ સન્માન મેળવનાર ધોરડો ભારતનું એકમાત્ર ગામ છે. વિશ્વના સૌથી સુંદર 7 મ્યુઝિયમોની યાદીમાં કચ્છનું ‘સ્મૃતિવન’ છે. આ ઉપરાંત, ગુજરાતની ઓળખ સમા ‘ગરબા’ ને યુનેસ્કો દ્વારા ‘અમૃત સાંસ્કૃતિક ધરોહર’ જાહેર કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપતા ઉપસ્થિત સૌ નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ અધિકારી, પદાધિકારીઓ અને પ્રજાજનોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. પ્રેમ અને શાંતિના પ્રતિક સમાન બલૂન મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા છોડવામાં આવ્યા હતા. રાષ્ટ્રધ્વજના સન્માનમાં પોલીસ જવાનો દ્વારા વોલી ફાયરિંગ (હર્ષ ધ્વનિ) કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ આરપીએફ, જિલ્લા પોલીસ અને હોમગાર્ડ જવાનોની પ્લાટુનનું પરેડ નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સહિત જાહેર જનતાનું અભિવાદન ઝીલ્યું હતું.
15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મંત્રીશ્રી દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. 25 લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેને અર્પણ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર, વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પોલીસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસૂલ વિભાગ, આરોગ્ય શાખા, નગરપાલિકા, 108 ઇમરજન્સી સેવાના અધિકારી કર્મચારીઓનું તેમજ રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને સમાજ સેવા ક્ષેત્રે પ્રસંશનીય કામગીરી કરનાર કુલ 69 પ્રતિભાઓનું સન્માન પ્રમાણપત્ર અને ટ્રોફી દ્વારા મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામિત્વ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેશ પ્રેમમાં તરબોળ કરી દેતી છ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પારડીની ડો.વિજયપથ સિંઘાનિયા સ્કૂલ, એકલવ્ય રેસીડેન્સી મોડલ સ્કૂલ, સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ, પારડી કન્યાશાળા ન.1, જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલ, ઉમરસાડી અને પરિયાની ડી.આર.જી.ડી & પી.એમ.જે. સ્કૂલના વિદ્યાર્થીઓએ શોર્ય ગીતનું ગાન કરી દેશ ભક્તિના વિવિધ ગીત પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાંથી પ્રથમ ક્રમે પરિયાની ડી.આર.જી.ડી & પી.એમ.જે. સ્કૂલ, બીજા ક્રમે જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલ, ઉમરસાડી અને ત્રીજા ક્રમે પારડી કન્યાશાળા ન.1 વિજેતા જાહેર થતા મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્મૃતિ દેસાઈ અને તારેશ સોનીએ કર્યુ હતું. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીત રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી.