વાંસદા: હિંદુધર્મ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજીને પ્રિય, જેના વગર પૂજા અધુરી ગણાય એવા બીલીપત્રના પાન રોજ સવારે ખાલી પેટ ખાવાથી આપણા શરીરના સ્વાસ્થ્યમાં કેટલા ફાયદાઓ થાય છે તે આજે તમને Decision News પર જણાવીએ..

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ધાર્મિક શ્રદ્ધાળુ લોકો જે હિંદુ ધર્મમાં આસ્થા ધરાવે છે તેઓ શિવજીની પૂજા ખાસ બીલીપત્રનો ઉપયોગ કરે છે. બીલીપત્ર શિવજીને અતિ પ્રિય છે. બીલીના ઝાડના આ પાનનું મહત્વ જેટલું વેદો અને પુરાણોમાં કહેવાયું છે એટલું જ મહત્વ આયુર્વેદમાં પણ છે. આયુર્વેદ ચિકિત્સીય પદ્ધતિમાં પણ બીલીપત્રના ફાયદા જણાવ્યા છે.

બીલીપત્રમાં કેલ્શિયમ, ફાઇબર, વિટામીન સહિતના પોષક તત્વો પણ હોય છે. બીલીના ફળની જેમ સવારે ખાલી પેટે બીલીપત્રને પણ જો તમે ખાવ તો શરીરને કેવા ફાયદા થાય છે અને કેટલા દિવસમાં જાણીએ.. બીલીપત્ર ફાઇબરથી ભરપૂર હોય છે તેને રોજ સવારે ખાલી પેટ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. બીલીપત્ર ખાવાથી પેટમાં સોજાની સમસ્યા રહેતી નથી. તેને ખાવાથી એસિડિટી, ગેસ અને અપચા જેવી રોજ થતી સમસ્યાઓથી પણ મુક્તિ મળે છે.

આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને હરસ જેવી સમસ્યા હોય તો તેણે રોજ સવારે ડેલી રૂટિનમાં બીલીપત્રનો સમાવેશ કરવો જોઈએ. સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાથી હરસની સમસ્યામાં રાહત થાય છે. બીલીપત્રનો રસ પીવાથી ખરતા વાળની સમસ્યા દૂર થઈ જશે. બીલીપત્ર વાળને મુલાયમ અને સુંદર બનાવે છે. જો તમે ભોજનની સાથે બીલીપત્રનો સમાવેશ કરો છો તો શરીરમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન સુધારવા લાગે છે. જેના કારણે બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.