ગુજરાત: આદિવાસી ન હોવા છતાંયે અનુસૂચિત જનજાતિ- ST સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરીમાં 14 ટકા અનામતમાં ઘુસણખોરી કરનારા સેંકડો ઓફિસરો, કર્મચારીઓ ઝડપાયા છે. જેના પગલે ગુજરાત સરકારે રચેલી રાજ્ય વિશ્વેષણ સમિતિએ 183 ST સર્ટિફિકેટ રદ કર્યા છે.
રાજ્યમાં જેઓ આદિવાસી નથી તેઓ 14 ટકા ST અનામતનો ફાયદો ઉઠાવવા બોગસ ST સર્ટિફિકેટને આધારે GPSC સહિતના સરકારી ભરતી એકમોની સ્પર્ધાત્મક પરીક્ષાઓને પાસ કરીને નોકરી મેળવી રહ્યાની વારંવાર ફરિયાદો ઉઠતી રહી છે. જેના પગલે સરકારે ફેબ્રુઆરી- 2022ના આરંભે સાચા આદિવાસી બચાવ સમિતિની માંગણીઓ સ્વીકારીને સને 1956ની સ્થિતિએ સાચા આદિવાસીઓ નક્કી કરવા તપાસ કમિશન રચવાનું જાહેર થયું હતું. આ તરફ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને પાસ કરનારા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને નિયુક્તિ પૂર્વે ST સર્ટિફિકેટની ચકાસણી માટે સરકારે વિશ્લેષણ સમિતિઓની રચના કરી હતી. સુપ્રિમ કોર્ટના કુમારી માધુરી પાટિવ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર કેસના ચૂકાદા હેઠળ આદિજાતિ વિકાસ વિભાગે 19મી જૂલાઈ 2021ના ઠરાવથી ગુજરાત સરકારે ST સર્ટિફિકેટની ચકાસણી એટલે કે તેની સત્યતા ચકાસવા વિશ્લેષણ સમિતિની રચના કરી હતી.
જેમાં રાજ્ય વિશ્લેષણ સમિતિ દ્વારા અત્યાર સુધીમાં 183 ઉમેદવારોના ST સર્ટિફિકેટ રદ કરાયા છે. તે સિવાયની ક્ષેત્રવાર સમિતિઓ પૈકી ગાંધીનગરની બે વિભાગીય વિશ્લેષણ સમિતિએ 17, વડોદરામાં 41 અને સુરતના ચાર એમ કુલમળી 244 અનુસૂચિત જનજાતિ STના સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ કર્યો છે. જે એક પ્રકારે બોગસ હતા. અલબત્ત સમિતિના આદેશ સામે ન્યાયિક કાર્યવાહી થઈ શકે છે પરંતુ, હજી સુધી રાજ્ય સમિતિના નિર્ણયોને પડકારવામાં આવ્યા નથી. આથી, આવા બોગસ સર્ટિફિકેટ મેળવનારા ઉમેદવાર અને તેને ઈસ્યૂ કરનારા અધિકારીઓ સામે એક્શન લેવા વિભાગે તૈયારી આદરી છે.